ભારત વિ. પાકિસ્તાન મેચ પિચ રિપોર્ટ : એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ક્રિકેટ પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 2 સપ્ટેમ્બર 2023ને શનિવારના રોજ કેન્ડીના પલ્લીકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ બ્લોકબસ્ટર મેચ પહેલા ક્રિકેટ પ્રશંસકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વરસાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની મજા બગાડી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, Weather.Com એ 2 સપ્ટેમ્બરના રોજ કેન્ડીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. આ દિવસે 90 ટકા વરસાદની સંભાવના છે.
ભારત-પાકિસ્તાન મેચનું હવામાન અને પિચ રિપોર્ટ
ગુગલ વેધર પ્રમાણે 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચના દિવસે કેન્ડીમાં 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ દિવસે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ભેજનું પ્રમાણ 84 ટકા રહેશે. તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. કેન્ડીના પલ્લીકેલે સ્ટેડિયમની વાત કરીએ તો હાલમાં જ રમાયેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં અહીં મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલરોને ગતિમાં વિવિધતા લાવવાનો ફાયદો મળ્યો હતો. લાઇટમાં બેટિંગ કરવા માટે પરિસ્થિતિઓ સરળ હતી. એશિયા કપ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેશે.
કેએલ રાહુલ આ મેચ ગુમાવશે
પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ વગર ઉતરશે. તે નેપાળ સામેની ગ્રુપ મેચમાં પણ રમી શકશે નહીં. તે ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને 4 સપ્ટેમ્બર સુધી નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં નિરીક્ષણ હેઠળ રહેશે. ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો – Asia Cup 2023 : એશિયા કપની શરૂઆત બુધવારથી, જાણો ભારત કેટલી વખત બન્યું છે ચેમ્પિયન
ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળ
ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ એ માં છે, જ્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ-બી માં છે. આ ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં ચાર મેચ રમાશે. બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં 6 મેચ બાદ 6 સપ્ટેમ્બરથી સુપર-4નો પ્રારંભ થશે. 17 સપ્ટેમ્બરે કોલંબોમાં સુપર-4ની ટોપ-2 ટીમો વચ્ચે ફાઇનલ યોજાશે.
એશિયા કપનો કાર્યક્રમ
30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ. નેપાળ31 ઓગસ્ટ – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ2 સપ્ટેમ્બર – ભારત વિ. પાકિસ્તાન3 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ4 સપ્ટેમ્બર – ભારત વિ. નેપાળ5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા
સુપર-4 રાઉન્ડ
6 સપ્ટેમ્બર – A1 v B29 સપ્ટેમ્બર – B1 v B210 સપ્ટેમ્બર – A1 v A212 સપ્ટેમ્બર – A2 v B114 સપ્ટેમ્બર – A1 v B115 સપ્ટેમ્બર – A2 v B217 સપ્ટેમ્બર – ફાઇનલ
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન.





