એશિયા કપ : ઇશાન કિશને સતત ચોથી અડધી સદી ફટકારી, હજુ પણ કેએલ રાહુલ આવશે તો થશે બહાર? બેવડી સદી પછી પણ થયો હતો ડ્રોપ

India vs Pakistan : એશિયા કપ પહેલા ઈશાન કિશને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે શ્રેણીમાં 52, 55 અને 77 રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો

Written by Ashish Goyal
Updated : September 05, 2023 16:06 IST
એશિયા કપ : ઇશાન કિશને સતત ચોથી અડધી સદી ફટકારી, હજુ પણ કેએલ રાહુલ આવશે તો થશે બહાર? બેવડી સદી પછી પણ થયો હતો ડ્રોપ
પાકિસ્તાન સામે ઇશાન કિશને 81 બોલમાં 82 રન બનાવ્યા હતા (તસવીર - જનસત્તા)

Asia Cup 2023, India vs Pakistan : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા સૌથી વધુ ચર્ચા ઇશાન કિશનની બેટિંગ પોઝિશનને લઇને થઇ હતી. કેએલ રાહુલની ઈજા બાદ તેને વિકેટકીપર તરીકે રમવાનું હતું તેથી મિડલ ઓર્ડરમાં તે કેવો દેખાવ કરશે તે અંગે ઘણી વાતો થઈ રહી હતી. ઇશાન કિશને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચમાં મુશ્કેલ પરિસ્થિતિમાં 82 રન ફટકારીને ચર્ચાનો અંત આણ્યો હતો. વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો ઈશાન કિશન હાલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. આમ છતા પ્લેઈંગ 11માં તેનું સ્થાન નિશ્ચિત નથી. કદાચ કેએલ રાહુલના આવ્યા બાદ તે ફરી બેન્ચ પર બેઠેલો જોવા મળશે.

બેવડી સદી ફટકાર્યા બાદ પણ તે પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યો હતો

ઇશાન કિશનને બેંચ પર કેમ બેસાડી શકાય? આ સવાલ એમ જ થઇ રહ્યો નથી. પાકિસ્તાન સામે શાનદાર 82 રનની ઇનિંગ્સ પછી પણ આ પ્રશ્ન એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે બેવડી સદી ફટકાર્યા બાદ પણ તે પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યો હતો. એશિયા કપ પહેલા તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે સીરીઝમાં સતત 3 મેચમાં 3 અડધી સદી ફટકારી હતી. આ પછી પણ તેનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નિશ્ચિત ન હતું. ટીમ મેનેજમેન્ટ તેને ત્રીજા ઓપનર તરીકે જોઈ રહ્યું હતું. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇશાન કિશન વિકેટકીપર તરીકે રમવાનો હતો. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના રહેતા તે ટોપ-3માં રમી શકે નહીં. આમ છતા પણ તેને ઓપનર તરીકે અજમાવવામાં આવી રહ્યો હતો.

ઇશાન કિશને પાકિસ્તાન સામે દબાણમાં શાનદાર બેટિંગ કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી થઇ ત્યારે શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ હતી. જોકે કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ ન હતો. તેની જગ્યાએ ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાની વાત કરવામાં આવી હતી. ઇશાને પાકિસ્તાન સામે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સારી બેટિંગ કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા ત્યારે ઇશાન કિશને દબાણની ટીમની બાજી સંભાળી હતી.

આ પણ વાંચો – એશિયા કપ – ભારત-પાકિસ્તાન લાઇવ મેચ માટે અહીં ક્લિક કરો

ઇશાને સેટ થવામાં વધારે સમય લીધો ન હતો અને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. ઇશાન કિશનની શાનદાર ઇનિંગ્સનો અંત હારીસ રઉફે કર્યો હતો. ઇશાને 81 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. તેની સ્ટ્રાઇક રેટ 101.23ની રહી હતી.

ઈશાન કિશને હાર્દિક પંડ્યા સાથે 138 રનની ભાગીદારી કરી

ટીમ ઈન્ડિયાએ 15 ઓવરની અંદર જ 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બધા વિચારી રહ્યા હતા કે શું ટીમ ઈન્ડિયા 150ના સ્કોર સુધી પહોંચી શકશે? આવા સમયે ઈશાન કિશને હાર્દિક પંડ્યા સાથે 138 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ઈશાન કિશને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે શ્રેણીમાં 52, 55 અને 77 રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી તે શ્રેણીમાં એક પણ મેચ રમ્યા ન હતા. ઇશાન કિશન સિવાય બધા તે શ્રેણીમાં સંઘર્ષ કરી રહ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ