World Cup 2023 Schedule: એશિયા કપ 2023માં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું અને ફાઇનલ મેચમાં શ્રીલંકાને માત્ર 50 રનમાં પેવેલિયન મોકલીને 10 ઓવરમાં ટુર્નામેન્ટ જીત લીધી. આવી રીતે ભારત એશિયા કપ 2023નું ચેમ્પિયન બન્યું. આ ટૂર્નામેન્ટ જીત્યા બાદ મિશન વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું મનોબળ વધશે. પરંતુ શું એશિયા કપમાં ટીમ ઇન્ડિચાના ખેલાડીઓનું પ્રદર્શન વર્લ્ડ ચેમ્પિયન બની શકાય એટલું બધુ સારું છે? ટીમ ઇન્ડિયામાં ક્યો ખેલાડી નબળો છે અને તેમાં શું ફેરફાર કરવાની જરૂરી છે? આવો જાણીએ એશિયા કપથી ટીમ ઈન્ડિયાને શું બોધપાઠ મળ્યો
મેચમાં ઓપનિંગની ચિંતા દૂર થઈ
એશિયા કપના પર્ફોર્મન્સ પર નજર કરીએ તો ઓપનિંગની ચિંતા દૂર થઈ ગઈ હોય તેમ લાગે છે. કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલ ઓપનિંગ માટે વધુ સારો ખેલાડી દેખાઈ રહ્યો છે. એશિયા કપમાં તેણે બાંગ્લાદેશ સામે મુશ્કેલ પીચ પર સદી અને પાકિસ્તાન સામે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. આ ઉપરાંત નેપાળ સામે અડધી સદી ફટકારી હતી. તે ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે એક નવા સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. વર્ષ 2023માં તેની બેટિંગ એવરેજ શાનદાર રહી છે. એશિયા કપ 2023માં શુભમન ગિલે 6 મેચમાં 75ની એવરેજથી 302 રન બનાવ્યા હતા. બીજી તરફ રોહિત શર્માનું ફોર્મ પણ શાનદાર હતું.
વિરાટ કોહલી અને કેએલ રાહુલ શર્મા પછી કોણ
એશિયા કપમાં પાકિસ્તાન સામેની મોટી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, તો કેએલ રાહુલે પણ રિ-એન્ટ્રી મેચમાં સદી ફટકારીને ટીમ મેનેજમેન્ટની ચિંતાઓ દૂર કરી દીધી છે. તે નંબર 4 પર રમવા માટે તૈયાર દેખાય છે. તેના પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડર સંભાળશે. જ્યારે પંડ્યા ઓલરાઉન્ડર તરીકે મજબૂત કડી છે. બોલિંગમાં પણ તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.
આક્રમક સ્પીડ બોલિંગ
એશિયા કપ 2023માં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી સાબિત થયું કે આ જોડી દુનિયાની સૌથી ખતરનાક ફાસ્ટ બોલરો પૈકીની એક છે. મોહમ્મદ શમી તેમને સપોર્ટ કરવા તૈયાર છે.
ટીમ ઇન્ડિયાની નબળી કડી કઇ
ટીમ ઇન્ડિયામાં જે નબળી કડી દેખાઇ છે, તેમાં શ્રેયસ અય્યર ફિટ ન હોવા ઉપરાંત અક્ષર પટેલ, સૂર્ય કુમાર યાદવ અને શાર્દુલ ઠાકુર છે. સૂર્ય કુમાર યાદવ ટી-20માં જે ફોર્મમાં રમે છે તે વનડેમાં દેખાડી શક્યો નથી. શ્રેયસ અય્યર માટે ફિટનેસ હજુ પણ ચિંતાનો વિષય છે. બીજી તરફ, અક્ષર પટેલ બોલિંગની બાબતમાં અસરકારક પર્ફોર્મન્સ દેખાડી શક્યો નથી. જ્યારે શાર્દુલ ઠાકુર બેટિંગમાં સફળ રહ્યો નથી. આ બંને ખેલાડીઓને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયામાં ક્યાં ફેરફાર થવાની સંભાવના
એવા સંકેતો દેખાઇ રહ્યા છે કે, અક્ષર પટેલ સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે શ્રીલંકા વિરુદ્ધ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, વર્લ્ડ કપ ટીમમાં તેના સ્થાને આર અશ્વિન ભારતીય પીચ પર વધુ અસરકારક સાબિત થઈ શકે છે. શાર્દુલ ઠાકુરના સ્થાનમાં ફેરફારની અપેક્ષા ઓછી છે. જો શ્રેયસ ફિટ નહીં રહે તો તિલક વર્મા જેવા યંગ પ્લેયરને તક મળી શકે છે. જો કે અંતિમ 11માં તેની પહેલા સૂર્ય કુમાર યાદવને પ્રાથમિકતા મળી શકે છે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023માં કયો ખેલાડી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થશે? સ્ટીવ સ્મિથે કર્યો નામનો ખુલાસો
ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપ માટે
વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી. જસપ્રીત બુમરાહનો સમાવેશ સંભવિત છે.





