India vs Pakistan Asia Cup 2025 Match: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો વિરોધ કર્યો છે. શુભમની પત્ની એશાન્યા દ્વિવેદી, તેના પિતા સંજય દ્વિવેદી અને આખો પરિવાર બીસીસીઆઇના આ નિર્ણયથી ભારે નારાજ છે. એશાન્યાએ કહ્યું હું આને સમજી રહી નથી. હું લોકોને તેનો બહિષ્કાર કરવા વિનંતી કરું છું. તેને જોવા ન જાઓ અને તેના માટે તમારું ટીવી પણ ચાલુ કરશો નહીં.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને સ્વીકારવી જોઈતી ન હતી. બીસીસીઆઈની ભાવનાઓ તે 26 પરિવારો માટે નથી. આ બધાની શહાદતની તમારા માટે કોઈ કિંમત નથી. ભારતીય ક્રિકેટ ટીમ પર સવાલ ઉઠાવતા તેમણે દાવો કર્યો હતો કે કેટલાક ક્રિકેટરોને બાદ કરતાં કોઈ ખેલાડી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા આગળ આવ્યો નથી.
પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરો : એશાન્યા
એશાન્યાએ કહ્યું કે આપણા ક્રિકેટરો શું કરી રહ્યા છે? એવું કહેવામાં આવે છે કે ક્રિકેટરો રાષ્ટ્રવાદી હોય છે. તેને આપણી રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે. એકાદ-બે ક્રિકેટરો છોડીને કોઇએ આગળ આવીને એવું કહ્યું નથી કે આપણે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. બીસીસીઆઈ તેમને બંદૂકની અણીએ રમવા માટે દબાણ કરી શકશે નહીં. તેઓએ પોતાના દેશ માટે સ્ટેન્ડ લેવું જોઈએ. પરંતુ તેઓ તે કરી રહ્યા નથી.
આ પણ વાંચો – એશિયા કપ 2025 : ભારત વિ પાકિસ્તાન મેચ ની અડધી ટિકિટો પણ વેચાઇ નથી, જાણો શું છે કારણ
પહેલગામ હુમલાની પીડિતાની પત્નીએ મેચના પૈસા પાકિસ્તાન જવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હું સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટર્સને પૂછવા માંગુ છું કે શું તે 26 પરિવારોની રાષ્ટ્રીયતા સમાપ્ત થઈ ગઈ છે? મેચની કમાણીનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે? પાકિસ્તાન તેનો ઉપયોગ માત્ર આતંકવાદ માટે કરશે. તે એક આતંકવાદી દેશ છે. તમે તેમને કમાણી આપશો અને તેમને ફરીથી આપણા પર હુમલો કરવા માટે તૈયાર કરશો.
પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન હોવા જોઈએ: શુભમ દ્વિવેદીના પિતા
શુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે 22 એપ્રિલ, 2025 ના રોજ પાકિસ્તાને આપણા દેશના 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. ભારત સરકારે કહ્યું હતું કે તેના પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રહેશે નહીં અને લોહી અને પાણી એક સાથે વહી શકશે નહીં. જ્યારથી મને ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ વિશે જાણ થઈ છે ત્યારથી માત્ર હું જ નહીં પરંતુ આખો દેશ તેનો વિરોધ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે પાકિસ્તાન સાથે કોઇ સંબંધ રાજકીય કે રમતગમતના ક્ષેત્રમાં ન હોવો જોઈએ. હું આનો વિરોધ કરું છું અને સરકારને વિનંતી કરું છું કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ બાબતમાં પગલાં લેવામાં આવે.





