એશિયા કપ 2025 : હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું, મેચ રેફરી પર લગાવ્યો આવો આરોપ

Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારત સામે સાત વિકેટથી મળેલી હારને પચાવવી પાકિસ્તાન માટે મુશ્કેલ બની રહી છે, તેથી હવે તેણે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી છે

Written by Ashish Goyal
Updated : September 15, 2025 16:54 IST
એશિયા કપ 2025 : હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું, મેચ રેફરી પર લગાવ્યો આવો આરોપ
એશિયા કપ 2025ની મેચ પહેલા કેપ્ટન સૂર્યકમાર યાદવે પાકિસ્તાનાન કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો (તસવીર સોશિયલ મીડિયા)

Asia Cup 2025 India vs Pakistan Match : એશિયા કપ 2025માં ભારત સામે કારમા પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી વિવાદોમાં આવ્યું છે. ભારત સામેની સાત વિકેટથી મળેલી હારને પચાવવી તેના માટે મુશ્કેલ બની રહી છે, તેથી હવે તેણે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી છે.

હાર છુપાવવાનું નવું બહાનું શોધ્યું

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને આખી ટીમે મેચ પહેલા અને પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ભારતીય કેમ્પના જણાવ્યા અનુસાર આતંકવાદ અને તાજેતરના હુમલા વચ્ચે પાકિસ્તાન તરફ મેદાન પર મિત્રતા દર્શાવવી એ શહીદોની શહાદતનું અપમાન કરવા જેવું હોત. આ જ કારણ હતું કે મેચ પુરી થતાની સાથે જ ખેલાડીઓ સીધા ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર આ પગલાને સમર્થન આપી રહ્યા છે અને તેને શહીદોનું સન્માન, દેશની ગરિમા સૌથી ઉપર ગણાવી સમર્થન કરી રહ્યા છે.

પાકિસ્તાન રઘવાયું બન્યું

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર હેન્ડશેકની રાહ જોતા હતા પણ ભારતીય ટીમે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ખેલદિલીનો અર્થ દુશ્મનને ગળે લગાવવો નથી. આ પછી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ હદ ઓળંગીને મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં આવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ આઇસીસી અને બ્રોડકાસ્ટિંગના ધોરણોનું સીધું ઉલ્લંઘન હતું.

પીસીબીનો આરોપ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસી અને એમસીસીને પત્ર લખીને દાવો કર્યો છે કે મેચ રેફરી પાયક્રોફ્ટે ખેલાડીઓને હાથ મિલાવતા અટકાવ્યા હતા, જે ક્રિકેટની પરંપરાની વિરુદ્ધ છે. જોકે ભારતીય ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે હારનું દુ:ખ છુપાવવા માટે આ એક નવું બહાનું છે. સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સે કટાક્ષમાં લખ્યું હતું કે મેદાન પર 22 યાર્ડનું અંતર ઘટાડી શકતા નથી, હવે તેઓ હાથ મિલાવવા માટે રડી રહ્યા છે.

આ પણ વાંચો – ગાવસ્કરે પરાજય પછી દુશ્મન દેશની ઉડાવી મજાક, કહ્યું – પાકિસ્તાનની નહીં કોઇ પોપટવાડી ટીમ છે

ભારતનો સ્પષ્ટ સંદેશ

ભારતની જીત બાદ સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાએ સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાન સાથેનું ક્રિકેટ હવે માત્ર એક રમત નથી, પણ લાગણીઓ અને રાષ્ટ્રીય સન્માનનો પ્રશ્ન છે. ભારતીય કેમ્પનું માનવું છે કે શહીદોની સુરક્ષા અને બલિદાન પહેલા આવે છે, રમત પછી. ભારતીય ખેલાડીઓએ ડગઆઉટમાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી પરંતુ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે શુભેચ્છાઓ સ્વીકારવાનું અથવા હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

પીસીબીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) અને મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ને પત્ર લખીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ચાલુ એશિયા કપ 2025માંથી હટાવવાની માંગ કરી છે. પીસીબીના જણાવ્યા અનુસાર આ મેચ રેફરી પાયક્રોફ્ટના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું અને તેમનું માનવું છે કે આ નિર્દેશ ક્રિકેટની ભાવના અને એમસીસીની આચારસંહિતાની વિરુદ્ધ છે.

પીસીબીએ પોતાના પત્રમાં કહ્યું છે કે મેચ પહેલા અથવા મેચ બાદ હેન્ડશેક એ રમતની ભાવના અને લાંબા સમયથી ચાલતી પરંપરાઓનું સીધું ઉલ્લંઘન છે. પીસીબીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી તરીકેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ