Surya Kumar Yadav Batting Performance : છેલ્લા એક વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનો દેખાવ શાનદાર રહ્યો છે. જોકે કેપ્ટન સૂર્યકુમાર યાદવનો બેટ સાથેનો દેખાવ ચિંતાજનક છે. ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સૂર્યકુમારે 27 જુલાઈ 2024ના રોજ ભારતના કાયમી કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચ રમી હતી. ત્યાર બાદ તેણે 18 ઇનિંગ્સમાં માત્ર 2 અડધી સદી ફટકારી છે. તેનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.
સૂર્યકુમાર યાદવ બુધવારે એશિયા કપ 2025 માં બાંગ્લાદેશ સામે 5 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બન્યા બાદ તે 9મી વખત ડબલ ફિગરને પાર કર્યા વિના આઉટ થયો હતો. આ દરમિયાન તેણે માત્ર 3 વખત 40થી વધુ રન બનાવ્યા છે. કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં સૂર્યકુમારે શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. આ પછી હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે તેણે ઓક્ટોબર 2024માં 75 રન ફટકાર્યા હતા.
સૂર્યકુમારે 11 મહિનાથી અડધી સદી ફટકારી નથી
સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકાર્યાને 11 મહિના થઈ ગયા છે. છેલ્લી 12 ઈનિંગમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 47 રનનો છે, જે તેણે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે ફટકાર્યા હતા. તેણે ઓમાન સામે બેટીંગ કરી ન હતી. જ્યારે 8 વિકેટ પડી ત્યારે પણ બેટિંગ કરવા ઉતર્યો ન હતો. એશિયા કપ 2025માં સંયુક્ત આરબ અમીરાત સામે 7 રને અણનમ રહ્યો. સૂર્યકુમારે સુપર 4માં છેલ્લી 2 મેચમાં 0 અને 5 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – એશિયા કપ 2025, ભારતનો ફાઇનલમાં પ્રવેશ, બાંગ્લાદેશ સામે 41 રને વિજય
સૂર્યકુમાર યાદવનું પર્ફોમન્સ
સૂર્યકુમાર યાદવ પાકિસ્તાન સામે ખાતું ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ તે બાંગ્લાદેશ સામે 5 રન બનાવીને આઉટ થયો હતો. એશિયા કપમાં તેણે 4 ઇનિંગ્સમાં માત્ર 52 રન બનાવ્યા છે. ઓવરઓલ સૂર્યકુમાર યાદવે 88 મેચની 83 ઇનિંગ્સમાં 37.95ની એવરેજ અને 165.23ની સ્ટ્રાઇક રેટથી 2657 રન ફટકાર્યા છે. જેમાં 4 સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે.