Asia cup 2023, pak vs sl match, cricket news updates : એશિયા કપ સુપર 4 મેચમાં ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાન ટીમ ગમના સાગરમાં સરી પડી છે. એશિયા કપ 2023 ફાઇનલ મેચ રમવા માટે પાકિસ્તાને શ્રીલંકા સામે જીતવું જરૂરી છે. શ્રીલંકાને હરાવવા માટે પાકિસ્તાન ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાને ટીમમાં 22 વર્ષિય યુવા બોલરને સ્થાન આપ્યું છે. POK માં જન્મેલ યુવા ક્રિકેટર જમાન ખાન ગુરૂવારે કોલંબોમાં રમાનાર સુપર 4 મેચમાં શ્રીલંકા વિરૂધ્ધ ડેબ્યૂ કરવા તૈયાર છે.
પાકિસ્તાન પ્લે કાર્ડ જમાન ખાન
શ્રીલંકાને હરાવવા માટે પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફારની સંભાવના છે. પાકિસ્તાન યુવા ખેલાડી જમાન ખાનને પ્લે કાર્ડ તરીકે ઉતારવા ઇચ્છી રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જન્મેલ જમાન ખાન કેનેડા અને શ્રીલંકા ટી20 લીગ મેચ રમેલ છે.જમાન ખાન અત્યાર સુધી કોઇ ફર્સ્ટ ક્લાસ મેચ નથી રમ્યો. પરંતુ અફઘાનિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વિરૂધ્ધ ટી20 મેચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇજાગ્રસ્ત નસીમ શાહના સ્થાને ટીમમાં સ્થાન આપ્યું હતું. પાકિસ્તાન બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે, ફાસ્ટ બોલર હારિસ રઉફ ઇજાને લીધે આ મેચ નહીં રમે.
જમાન ખાન ટી20 બતાવ્યો હતો દમ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જેની પર આશા રાખી બેઠું છે એ યુવા ખેલાડી જમાન ખાન ઇંગ્લિશ કાઉન્ટીમાં દમદાર દેખાવ સાથે સૌની નજરમાં આવ્યો હતો. 22 વર્ષિય જમાન ખાન ફાસ્ટ બોલર છે. જમાન ખાને ઇંગ્લેન્ડમાં તાજેતરમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં મૈનચેસ્ટર ઇન્વિંસિબલ્સ માટે છ મેચ રમી હતી અને બે વિકેટ ઝડપી હતી. જમાન ખાને અત્યાર સુધી 68 ટી20 લીગ મેચ રમ્યો છે જેમાં તેણે 86 વિકેટ ઝડપી છે.
શ્રીલંકા ટક્કર આપવા છે તૈયાર
એશિયા કપ ફાઈનલ જંગમાં પહોંચવા માટે શ્રીલંકા પાકિસ્તાનને ટક્કર આપવા સજ્જ છે. પાકિસ્તાન સામેની સુપર 4 મેચ પહેલા શ્રીલંકાના સિનિયર ખેલાડી વાનિંદુ હસરંગા, દુષ્મંથા ચમીરા અને લહિરુ કુમારા ઇજાગ્રસ્ત થતાં શ્રીલંકાને યુવા ટીમ ઉતારવી પડી હતી. પરંતુ ડુનિથ વેલાલેજ, મથીશા પથિરાના અને મહેશ તીક્ષ્ણાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના સ્પિસર્સે ભારત સામે શાનદાર દેખાવ કર્યો હતો. જેને પગલે પાકિસ્તાનને ટક્કર આપવા શ્રીલંકન ટીમ તૈયાર છે.
PAK vs SL – પાકિસ્તાન સામે શ્રીલંકા ભારે
એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે શ્રીલંકા ભારે પડ્યું છે. એશિયા કપમાં અત્યાર સુધી પાકિસ્તાન અને શ્રીલંકા 15 વખત સામસામે ટકરાયા છે. જેમાં શ્રીલંકા ક્રિકેટ ટીમ 11 વખત જીતી છે અને પાકિસ્તાન માત્ર ચાર મેચ જ જીતી શક્યું છે. આ ટ્રેન્ડ જાળવી રાખવા માટે શ્રીલંકા ક્રિકેટ ટીમ સજ્જ છે અને એમાંય ખાસ કરીને યુવા બોલર્સ એકદમ ફિટ છે.





