Asian Champions Trophy Final, India vs Malaysia : ભારતીય હોકી ટીમે શનિવારે મલેશિયાને હરાવીને ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેનાર ટીમ ઈન્ડિયાએ મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં 1-3થી શાનદાર વાપસી કરી હતી. મલેશિયાને 4-3થી હરાવી ટાઈટલ જીત્યું. આ પ્રદર્શને સમજાવ્યું કે, શા માટે ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી.
ભારત તરફથી જુગરાજ સિંહ (9મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (45મી), ગુરજંત સિંહ (45મી મિનિટ) અને આકાશદીપ સિંહ (56મી મિનિટે) એ ગોલ કર્યા હતા. મલેશિયા તરફથી અબુ કમાલ અઝરાઈ (14મો), રહીમ રાજી (18મો), મોહમ્મદ અમિનુદ્દીન (28મો) ગોલ કર્યા હતા. સેમીફાઈનલમાં ભારતે જાપાનને 5-0થી હરાવ્યું હતું. જ્યારે મલેશિયાએ દક્ષિણ કોરિયાને 6-2થી હરાવ્યું હતું. રાઉન્ડ-રોબિન લીગમાં ભારતે મલેશિયાને 5-0થી હરાવ્યું
ત્રીજા ક્વાર્ટર સુધી ભારત 1-3થી પાછળ હતું
મલેશિયા સામેની ફાઈનલ મેચમાં, ભારત ત્રીજા ક્વાર્ટરની છેલ્લી ઘડી સુધી 1-3થી પાછળ હતું, પરંતુ પછી છેલ્લી 16 મિનિટમાં તેણે પલટવાર કર્યો. ભારતે પ્રથમ 30 સેકન્ડમાં બે ગોલ કર્યા હતા. પછી છેલ્લા ક્વાર્ટરમાં નિર્ણાયક લીડ લીધી. ભારતનું આ ચોથું ખિતાબ છે અને તેણે પાકિસ્તાન (ત્રણ ખિતાબ)ને પાછળ છોડી દીધું છે.
જુગરાજે ડ્રેગ ફ્લિક વડે પેનલ્ટીને કન્વર્ટ કરી હતી
મલેશિયાએ દબાણ બનાવવાની વ્યૂહરચના સાથે રમતની શરૂઆત કરી હતી અને તેના સ્ટાર ખેલાડી અઝરાઈએ પ્રથમ મિનિટમાં જ ભારતીય ગોલને નુકસાન પહોંચાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય ટીમે જલ્દી જ પોતાની લય મેળવી લીધી હતી. આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મેળવ્યો, જેને જુગરાજે શક્તિશાળી ડ્રેગ-ફ્લિક સાથે કન્વર્ટ કર્યો. તે સમયે કેપ્ટન હરમનપ્રીત સિંહ મેદાનમાં નહોતો, પરંતુ જુગરાજે તેની ગેરહાજરીની કમી થવા દીધી નહીં. જોકે, મલેશિયાએ ભારતની લીડને લાંબો સમય ટકી રહેવા દીધી ન હતી.
મલેશિયાએ બીજા ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી હતી
અજુઆન હસને સર્કલની બહાર બોલ પર કંટ્રોલ કર્યો અને તેને ગોલની નજીક ઉભેલા અજરાઈ તરફ લઈ ગયો, જેણે ગોલ કરવામાં સમય લીધો ન હતો. ભારતે પ્રથમ ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં બે બેક-ટુ-બેક પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા, પરંતુ હાર્દિક સિંહના નબળા પ્રયાસોથી તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. મલેશિયાએ બીજા ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી હતી અને તેના વળતા હુમલામાં ભારતે તેની લય ગુમાવી દીધી હતી. મલેશિયાને ટૂંક સમયમાં પેનલ્ટી કોર્નર મળ્યો. રેફરીના આ નિર્ણય પર ભારતે તેનો એક રેફરલ પણ ગુમાવ્યો હતો.
રહીમ રાજીએ આ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને મલેશિયાને પ્રથમ વખત લીડ અપાવી હતી. ભારતને 21મી મિનિટે બરોબરી કરવાની તક મળી હતી, પરંતુ વિવેક સાગરના જોરદાર શોટને મલેશિયાના ગોલકીપર હફિઝુદ્દીન ઓથમાને બચાવી લીધો હતો. મલેશિયાએ આક્રમણ કર્યું અને ચાર મિનિટના અંતરમાં બે પેનલ્ટી કોર્નર મેળવ્યા. મોહમ્મદ અમિનુદ્દીને આમાંથી બીજા પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને હાફ ટાઈમમાં મલેશિયાને 3-1થી આગળ કરી દીધું હતું.
હરમનપ્રીત અને જુગરાજ પેનલ્ટીનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા
ભારતે ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં બે પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા, પરંતુ હરમનપ્રીત અને જુગરાજ તેને કન્વર્ટ કરવામાં અસમર્થ હતા. આ પછી પણ ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા. રમતની 40મી મિનિટે આકાશદીપ સિંહને તક મળી હતી પરંતુ તે ફાઉલ થઈ ગયો હતો. આ દરમિયાન મલેશિયાએ પણ ભારતીય ડિફેન્ડર્સને વળતા હુમલામાં વ્યસ્ત રાખ્યા હતા. મલેશિયા 43મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું હતું.
ભારતનું શાનદાર પુનરાગમન
ભારતે તરત જ વળતો હુમલો કર્યો, પરંતુ જર્મનપ્રીત સિંઘનો શોટ ક્રોસબારની બહાર ગયો. ભારતે ત્રીજા ક્વાર્ટરની છેલ્લી થોડી સેકન્ડમાં બે ગોલ કરીને સ્કોર 3-3ની બરાબરી કરી લીધો હતો. ભારતને પહેલો પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેને હરમનપ્રીતે કન્વર્ટ કર્યો. ભારતીય સુકાનીએ તરત જ બોલ પર નિયંત્રણ મેળવ્યું અને તેને ગોલની નજીક ઉભેલા ગુર્જંતને પાસ કર્યો, જેણે તેને સરળતાથી રાઉન્ડ કરી દીધો.
આ પણ વાંચો – IND vs JPN ACT 2023 : ભારતે જાપાનને 5-0થી હરાવ્યું, હવે ફાઇનલમાં મલેશિયા સાથે થશે ટક્કર
આકાશદીપે નિર્ણાયક બઠત આપી
ભારતે ચોથા ક્વાર્ટરમાં ઉત્સાહ સાથે પ્રવેશ કર્યો. તેની પાસે 52મી મિનિટે લીડ લેવાનો સુવર્ણ મોકો હતો પરંતુ સુખજીત સિંહ મલેશિયાના ગોલકીપર સામે સ્પષ્ટ શોટ મેળવી શક્યો ન હતો. આકાશદીપે તેની ચાર મિનીટ બાદ ભારતને નિર્ણાયક બઠત અપાવી. ત્યારે મનદીપ સિંહનો શોટ મલેશિયાના રક્ષકે રોકી લીધો. પરંતુ બોલ આકાશદીપ પાસે જતો રહ્યો અને તેના તાકાતવર શોટનો મલેશિયાના ગોલકિપર પાસે કોઈ જવાબ ન હતો.





