Asian Games 2023 Day 13 Live Updates: એશિયન ગેમ્સમાં 2023માં ભારતીય ટીમે 19મી એશિયન ગેમ્સમાં મેન્સ હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતીય હોકી ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તી 57 કિગ્રા કેટેગરીમાં ભારતના અમન સેહરાવતે ચીનના ખેલાડી મિન્ગુ લિયુને 11-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતના કુલ 95 મેડલ થયા છે, જેમાં 22 ગોલ્ડ, 34 સિલ્વર અને 39 બ્રોન્ઝ સામેલ છે. કમ્પાઉન્ડ તીરંદાજીની ટીમ ઈવેન્ટ્સ બાદ ભારતની મહિલા ટીમે પણ રિકર્વ કેટેગરીમાં મેડલ જીત્યો છે. અંકિતા ભાકત, ભજન કૌર અને સિમરનજીત કૌરે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
એશિયન ગેમ્સ 2023માં આજના અપડેટ્સ
મેન્સ હોકી- ભારતે જાપાનને 5-1થી હરાવી ગોલ્ડ જીત્યો
ભારતીય ટીમે 19મી એશિયન ગેમ્સમાં મેન્સ હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારત માટે આ ઐતિહાસિક મેડલ છે. આ પહેલા ભારતે મેન્સ હોકીમાં છેલ્લે 2014માં ગોલ્ડ જીત્યો હતો. મેન્સ હોકીમાં ભારતનો આ ચોથો મેડલ છે. આ પહેલા ભારતે 1966, 1998, 2014માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં ભારતીય હોકી ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે.
કુસ્તી- બજરંગ પુનિયાનો બ્રોન્ઝ મેડલ મેચમાં 0-10થી પરાજય
પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા કેટેગરીની બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતનો સ્ટાર રેસલર બજરંગ પુનિયા 19મી એશિયન ગેમ્સમાંથી ખાલી હાથ પરત ફરશે. જાપાનના કૈકી યામાગુચીએ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં બજરંગ પુનિયાને 10-0થી હરાવ્યો હતો.
ચીનના ખેલાડીને હરાવીને ભારતના અમાનને જીત્યો બ્રોન્ઝ મેડલ
પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તી 57 કિગ્રા કેટેગરીમાં ભારતના અમન સેહરાવતે ચીનના ખેલાડી મિન્ગુ લિયુને 11-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેચમાં ભારતીય પહેલવાન અમને વિરોધી ખેલાડીને વાપસી કરવાની બિલકુલ તક આપી ન હતી.
કિરણ બિશ્નોઇએ કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો
ભારતની કિરણ બિશ્નોઈએ મોંગોલિયન કુસ્તીબાજને 76 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં 6-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
ભારતના 100 મેડલ કન્ફર્મ!
એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલ્સ હવે નિશ્ચિત બની ગયા છે. ભારતે 93મો મેડલ જીત્યો છે. આ સિવાય તીરંદાજીમાં ત્રણ, ક્રિકેટમાં એક, કબડ્ડીમાં બે, હોકીમાં એક, બ્રિજમાં એક, ચેસમાં બે મેડલ છે. આ ઉપરાંત કુસ્તીમાં બ્રોન્ઝ મેડલની ત્રણ મેચો રમાવાની છે.
આ પણ વાંચો – એશિયન ગેમ્સ 2023 : પારૂલ ચૌધરી પછી અનુ રાનીએ જીત્યો ગોલ્ડ, તેજસ્વિન શંકરને સિલ્વર મેડલ મળ્યો
કુસ્તીમાં સોનમ મલિકે જીત્યો બ્રોન્ઝ મેડલ
સોનમ મલિકે 62 કિગ્રા વજન વર્ગની બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને 7-5થી હરાવી હતી. 0-3થી પાછળ રહ્યા બાદ ચીની પહેલવાને વાપસી કરવાની કોશિશ કરી હતી પરંતુ સોનમ મલિક ફરી ભારે પડી ગઇ હતી. ચીની કોચે અંતિમ સમયે રિવ્યૂ લીધો હતો જે ખોટો પડ્યો અને સોનમ બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી.
તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમે જીત્યો સિલ્વર મેડલ
ભારતની મેન્સ રિકર્વ તીરંદાજી ટીમે સેમિ ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. અતનુ દાસ, તુષાર અને ધીરજની ત્રિપુટીને કોરિયા સામેની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારતે આ ઇવેન્ટમાં પહેલીવાર સિલ્વર મેડલ જીત્યો છે.
ભારત માટે વધુ એક મેડલ
ભારતે સેપકટકરોમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની રેગુ ટ્રાયોએ આ કમાલ કરી બતાવી હતી. તેનો સેમિ ફાઈનલમાં થાઈલેન્ડ સામે 10-21, 13-21થી પરાજય થયો હતો.
કબડ્ડી – ભારતની મોટી જીત
ભારતે પાકિસ્તાનને 61-14થી હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે પાકિસ્તાનને 12 વખત ઓલઆઉટ કર્યું હતું. આ ભારતની પાકિસ્તાન સામે સૌથી મોટી જીત છે. ભારત ફરી એકવાર ફાઇનલમાં છે જ્યાં તેનો સામનો ઇરાન અથવા તાઇવાન સામે થશે.





