Novak Djokovic won Australia Open: સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચે (Novak Djokovic)ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસ (Stefanos Tsitsipas) સામે સીધા સેટમાં 6-3, 7-6, 7-5થી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે તેણે દિગ્ગજ ટેનિસ સ્ટાર રાફેલ નડાલના (Rafael Nadal)સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જોકોવિચ અને નડાલ અત્યાર સુધી 22-22 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે.
જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં 10મું ટાઇટલ જીત્યો
નોવાક જોકોવિચ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સાથે તે એટીપી રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. હાર્ડ કોર્ટ ટૂર્નામેન્ટમાં તે 28 મેચોથી અજેય છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોરોના વેક્સીન ના લેવાના કારણે જોકોવિચ ભાગ લઇ શક્યો ન હતો. તે સમયે ઘણો વિવાદ થયો હતો.
આ પણ વાંચો – સાનિયા મિર્ઝા કારકિર્દીના અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલથી ચૂકી, મેલબોર્નમાં સ્પીચ આપતા રડી પડી
રાફેલ નડાલની બરાબરી કરી
નોવાક જોકોવિચના 22 ગ્રાન્ડસ્લેમ ટાઇટલમાં 10 ઓસ્ટ્રેલિયન ઓપન, 7 વિમ્બલડન, 3 યૂએસ ઓપન અને 2 ફ્રેન્ચ ઓપન ટાઇટલ છે. આ સાથે જ રાફેલ નડાલના 22 ગ્રાન્ડસ્લેમની બરાબરી કરી લીધી છે. મેન્સ સિંગલ્સમાં જોકોવિચ અને નડાલ સિવાય કોઇ ખેલાડી આટલા ગ્રાન્ડસ્લેમ જીતી શક્યા નથી. મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર 20 ગ્રાન્ડસ્લેમ જીત્યો છે.
સેરેના વિલિયમ્સના નામે રેકોર્ડ
મેન્સ અને વુમેન્સમાં સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયન્સના નામે છે. સેરેના 23 ગ્રાન્ડસ્લેમ જીતી છે. સ્ટેફી ગ્રાફે 22 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.