Bangladesh Premier League 2023: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની (Bangladesh Premier League)એક મેચમાં અમ્પાયર સાથે ઝઘડી પડ્યો હતો. આ ઘટના ફોર્ચ્યુન બારીશાલ (Fortune Barishal) અને સિલહટ સ્ટ્રાઇકર્સ (Sylhet Strikers) વચ્ચેની મેચ દરમિયાન 16મી ઓવરમાં બની હતી. સિલહટ સ્ટ્રાઇકર્સના બોલર રેજૌર રહમાન રાજાએ ધીમો બાઉન્સર ફેંક્યો હતો, જેને અમ્પાયરે વાઇડ આપ્યો ન હતો. જોકે શાકિબને લાગતું હતું કે બોલ તેના માથાની ઉપર પસાર થયો છે.
મુશ્ફિકુર રહીમે હસ્તક્ષેપ કરવો પડ્યો
આ બોલ પર શાકિબે વાઇડની અપીલ કરી હતી પણ અમ્પાયર બાંગ્લાદેશી ઓલરાઉન્ડરની વાતથી સહમત થયા ન હતા. શાકિબે ગુસ્સામાં અમ્પાયર પર ઇશારો કર્યો અને તેમના પર ક્રોધે ભરાયો હતો. આ પછી બન્ને વચ્ચે રકઝક થઇ હતી. આખરે સિલહટ સ્ટ્રાઇકર્સના કેપ્ટન મુશ્ફિકુર રહીમે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો ત્યારે જઇને સ્થિતિ સામાન્ય બની હતી.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
શાકિબ અને અમ્પાયર વચ્ચે રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે શાકિબ હસન લડાઇ લડવાની તક શોધી રહ્યો હોય છે. કેટલાક લોકોનું કહેવું છે કે બાંગ્લાદેશી ઓલરાઉન્ડર હંમેશા પોતાના પગ પર કુહાડી મારી લેશે.
ashh_17_ એ લખ્યું કે ભાઇ લીગમાં સસ્પેન્ડ થવાના હરસંભવ મિશન પર છે. i_know_am_amey_zing એ લખ્યું કે શાકિબ એ સાબિત કરવામાં ક્યારેય નથી ચૂકતો કે તે તેવા 1 % ક્રિકેટરોમાં સામેલ છે. જે વિચારે છે કે ક્રિકેટ જેન્ટલમેન લોકોની રમત નથી. champsrv05એ લખ્યું કે મને લાગે છે કે બીપીએલના અમ્પાયરોને સુરક્ષા આપવી જોઈએ
શાકિબ અલ હસને 7 ફોર અને 4 સિક્સરની મદદથી 32 બોલમાં 67 રન બનાવ્યા
શાકિબ અલ હસને સિલિહટ સ્ટ્રાઇકર્સ સામે 7 ફોર અને 4 સિક્સરની મદદથી 32 બોલમાં 67 રન બનાવ્યા હતા. જોકે તેની ટીમ ફોર્ચ્યુન બારીશાલ 6 વિકેટે મુકાબલો હારી ગઇ હતી.