Bangladesh Premier League Controversy: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં છે. લીગના ખેલાડીઓ પગાર માટે તરસી રહ્યા છે. તેમને પૈસા ન મળવાના કારણે પ્રેક્ટિસ સેશન પણ છોડી દીધું હતું. લીગમાં માત્ર ખેલાડીઓ જ નારાજ નથી પરંતુ બસ ડ્રાઇવરોને પણ પગાર આપવામાં આવ્યો નથી. હવે તેમના પૈસા મેળવવા માટે ડ્રાઈવરોએ મોટું પગલું ભર્યું છે, જેના કારણે ફ્રેન્ચાઈઝી શરમજનક સ્થિતિમાં મુકાઇ છે.
બસ ડ્રાઇવરોએ ખેલાડીઓના સામાનને લોક કર્યો
ક્રિકબઝના એક અહેવાલ મુજબ દુર્બાર રાજશાહી ટીમે પોતાની બસના ડ્રાઇવરોને તેમનો પગાર આપ્યો નથી. રોષે ભરાયેલા ડ્રાઇવરોએ બાંગ્લાદેશી અને વિદેશી ખેલાડીઓનો અંગત સામાન બસમાં લોક કરી દીધો છે. તેઓએ કોઈને પણ સામાન પરત કરવાની ના પાડી દીધી છે. બસ ડ્રાઇવરનું કહેવું છે કે જ્યાં સુધી તેમને પગાર નહીં મળે ત્યાં સુધી તે માલ પરત નહીં આપે.
જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી સામાન પરત નહીં મળે
ટીમના બસ ડ્રાઇવર બાબુલે કહ્યું કે આ શરમજનક અને દુ:ખની વાત છે. જો તેઓએ અમને પૈસા આપ્યા હોત તો અમે ખેલાડીઓની કિટબેગ પરત કરી દીધી હોત. અત્યાર સુધી મેં કશું કહ્યું નથી પણ હવે હું કહું છું કે જો તે મારા માટે પૈસા આપશે તો અમે ત્યાંથી નીકળી જઈશું. સ્થાનિક અને વિદેશી ખેલાડીઓની કિટબેગ અહીં બસમાં છે પરંતુ અમે બેગ પરત આપીશું નહીં કારણ કે અમારા પૈસાનો મોટો હિસ્સો હજી સુધી આપવામાં આવ્યો નથી.
હોટલમાં ફસાયા હતા ખેલાડીઓ
સમયસર પેમેન્ટ ન મળવાને કારણે બીપીએલમાં ભાગ લઈ રહેલા વિદેશી ખેલાડીઓ ઢાકામાં તેમની હોટલમાં ફસાઈ ગયા હતા. આ સમય દરમિયાન ખેલાડીઓ ટીમ મેનેજમેન્ટ સાથે કોઈ સંપર્ક કરી શક્યા ન હતા. મોહમ્મદ હારીસ, આફતાબ આલમ, માર્ક ડેયાલ, રયાન બર્લ અને મિગુએલ કમિન્સ જેવા ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
આ પણ વાંચો – અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, 54 બોલમાં 135 રનની ઇનિંગ્સમાં આટલા રેકોર્ડ તોડ્યો
રિપોર્ટ અનુસાર બીપીએલમાં કેટલાક ખેલાડીઓને અત્યાર સુધી મેચ ફીના માત્ર 25 ટકા જ મળ્યા છે, જ્યારે કેટલાક ખેલાડીઓને હજુ સુધી એક પણ પૈસો મળ્યો નથી.
ગત મહિને ખેલાડીઓએ પેમેન્ટ ન ચૂકવવાને કારણે ચિત્તાગોંગમાં તેમના ટ્રેનિંગ સેશનનો બહિષ્કાર કર્યો હતો. 26 જાન્યુઆરીએ રંગપુર રાઇડર્સ સામેની મેચમાં વિદેશી ખેલાડીઓએ પૈસાના અભાવે મેદાનમાં ઉતરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ટીમને તમામ ડોમેસ્ટિક ખેલાડીઓને મેદાનમાં ઉતારવા પડ્યા હતા.





