Bangladesh Protests Updates : બાંગ્લાદેશ અસ્થિરતાના સાગરમાં ફંગોળાઇ રહ્યું છે. હિંસા અને તોફાનની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) બાંગ્લાદેશ A ટીમનો પાકિસ્તાન પ્રવાસ 2 દિવસ માટે સ્થગિત કર્યો છે. સ્થિતિ જોયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. બાંગ્લાદેશ A ટીમ મંગળવારે (6 ઓગસ્ટ) સાંજે પાકિસ્તાન A (શાહિન) સામે બે ચાર દિવસીય અને ત્રણ વન-ડે મેચ રમવા માટે રવાના થવાની હતી.
એવા અહેવાલો છે કે રમત મંત્રી અને BCB પ્રમુખ નઝમુલ હસને પણ દેશ છોડી દીધો છે. પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝાના ઘરે પણ તોડફોડ કરવામાં આવી છે અને આગ લગાડવામાં આવી છે. બંને શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સાંસદ છે. પાકિસ્તાન પ્રવાસ અંગે BCBએ એક નિવેદનમાં કહ્યું કે બાંગ્લાદેશ A ટીમનો પાકિસ્તાન પ્રવાસ ઓછામાં ઓછા 48 કલાક માટે સ્થગિત કરવામાં આવ્યો છે કારણ કે સ્થિતિ સારી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) A ટીમના પ્રવાસને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે સતત સંપર્કમાં છે.
આ પણ વાંચો – 53 વર્ષમાં રમાઇ 4752 વન-ડે મેચ, ટાઇ થયેલી મેચોની સંખ્યા 1 % પણ નથી, આ રહ્યું ટાઇ મેચનું લિસ્ટ
ક્રિકબઝના જણાવ્યા અનુસાર પૂર્વ ટેસ્ટ કેપ્ટન મુશ્ફિકુર રહીમ, મોમિનુલ હક, શહાદત હુસૈન, ઝાકિર હસન, મહમુદુલ હસન, નઈમ હસન અને હસન મહમૂદ બે મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે પાકિસ્તાન જવાના હતા. ત્યાં શાહીન પાકિસ્તાન સામેની પ્રથમ ચાર દિવસીય મેચમાં બાંગ્લાદેશ A ટીમનો ભાગ હતો. આ પછી સ્વદેશ પરત ફરવાના હતા.
પાકિસ્તાન પ્રવાસની તૈયારીઓ ખોરવાઈ ગઈ
BCB અધિકારીઓએ કહ્યું કે તેઓ એ પણ જોવા માંગે છે કે શું તેઓ પાકિસ્તાનના આગામી પ્રવાસ માટે તેમની તૈયારીઓ શરૂ કરી શકે છે, જે દેશવ્યાપી કર્ફ્યુને કારણે વિક્ષેપિત થઈ હતી. સોમવારે (5 ઓગસ્ટ) વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી અને બપોરે દેશ છોડ્યા પછી બાંગ્લાદેશની સૈન્યએ વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી હતી.
ખેલ મંત્રીએ પણ દેશ છોડી દીધો છે?
BCB અધિકારીએ કહ્યું કે અમે આગામી બે દિવસ સુધી પરિસ્થિતિ પર નજર રાખીશું અને પછી પાકિસ્તાન પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમની તૈયારી અંગે અમારા આગામી પગલાઓ અંગે નિર્ણય લઈશું. ક્રિકબઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવા અહેવાલો છે કે આવામી લીગના સાંસદ, દેશના ખેલ મંત્રી અને બીસીબી પ્રમુખ નઝમુલ હસન પણ દેશ છોડી ગયા છે.
બોર્ડ સાથે સંકળાયેલા લોકો સલામત સ્થળે ચાલ્યા ગયા છે
અવામી લીગ સરકારને ટેકો આપતા બોર્ડ સાથે સંકળાયેલા લોકો હાલમાં દેશ છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હોવાથી બીસીબીએ હજુ તેની આગામી રણનીતિ નક્કી કરવાની બાકી છે. પૂર્વ કેપ્ટન મશરફે મુર્તુઝાના વતન નરેલમાં આવેલા ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપવામાં આવી હતી. તેઓ આવામી લીગની ટિકિટ પર નરેલથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.





