BCCI Secretary Jay Shah meeting with Rahul Dravid : વેસ્ટ ઇન્ડીઝ સામેની લિમિટેડ ઓવર શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી પ્રશંસકો જ નહીં ભારતીય ક્રિકેટ બોર્ડ પણ નારાજ છે. બોર્ડે રોહિત એન્ડ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વર્લ્ડ કપને કોઈ પણ સંજોગોમાં હળવાશથી ન લેવો જોઈએ. કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. ક્રિકબઝના જણાવ્યા અનુસાર જય શાહ અંગત કામ માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન તેણે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે બે કલાક સુધી બેઠક કરી હતી અને તેમણે આ બાબતો સ્પષ્ટ કરી હતી.
જાણકારી પ્રમાણે આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી અને જે હોટલમાં બીસીસીઆઈના સચિવ રોકાયા હતા ત્યાં જ આ બેઠક યોજાઈ હતી. ભારતીય ટીમ મિયામીની મેરિયટ હોટલમાં રોકાઈ હતી. દ્રવિડ પોતે બીસીસીઆઈના સચિવને મળવા ગયા હતા. જય શાહ 13 ઓગસ્ટે પાંચમી અને અંતિમ ટી-20 મેચ જોવા માટે પહોંચ્યા હતા. બંને વચ્ચે આ મુલાકાત એશિયા કપ અને વર્લ્ડકપ પહેલા થઈ હતી. બની શકે કે કોચિંગ સ્ટાફમાં કોઇ અન્ય સભ્યને પણ જોડવાની વાત થઈ હોય. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાનો કોચિંગ કેમ્પ 24 ઓગસ્ટથી બેંગલુરુના અલુરમાં થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપમાં વર્તમાન ટીમ કરતા અલગ હશે ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય પછી રાહુલ દ્રવિડનું નિવેદન
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 બાદ એશિયા કપની ટીમની જાહેરાત થઈ શકે છે
આ દરમિયાન એશિયા કપ માટે ટીમની પસંદગી ક્યારે થશે તે અંગે પણ માહિતી સામે આવી છે. દ્રવિડ અને તેમની ટીમ ભારત પરત ફરી છે ત્યારે અવો અંદાજ છે કે આગામી દિવસોમાં સિલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પસંદગી આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 બાદ થઈ શકે છે, જ્યાં જસપ્રીત બુમરાહ લગભગ 11 મહિના બાદ મેદાન પર પરત આતુર છે.
કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરને લઇને આવી અપડેટ
કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરે હાલમાં જ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો. એનસીએના મેનેજરોએ આ બંનેને લઈને પસંદગીકારો સાથે કોઈ સત્તાવાર વાતચીત કરી નથી. જોકે આનો અર્થ એ નથી કે આ બંનેમાંથી કોઈ પણ ખેલાડીએ મેચ ફિટનેસ હાંસલ કરી નથી. એનસીએ તરફથી ઔપચારિક મંજૂરી મળવાની બાકી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એનસીએ પસંદગી બેઠક પહેલા બીસીસીઆઈ અને પસંદગીકારો બંનેને જાણ કરશે.





