Indian Cricketers : ભારતીય ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટને નજરઅંદાજ કરવા બદલ ઈશાન કિશન અને શ્રેયસ સામે કડક કાર્યવાહી કરી હતી. ચાલુ વર્ષના પ્રારંભે જ આ બંને ખેલાડીઓને બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. બોર્ડ આ અંગે છૂટ આપવાના મૂડમાં નથી. જોકે બોર્ડે કેટલાક ખેલાડીઓને આમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું છે કે જો સ્ટાર ક્રિકેટરો રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાથી ફ્રી હોય તો તેમને પણ ઘરેલુ મેચો માટે ઉપલબ્ધ રહેવું પડશે. જોકે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને છૂટ આપવામાં આવશે. તેઓ નક્કી કરશે કે રમવું કે નહીં.
દુલીપ ટ્રોફી રમવી પડશે
બીસીસીઆઈ ઇચ્છશે કે આ ત્રણ ખેલાડીઓ સિવાય અન્ય બધા ટેસ્ટ રમતા ખેલાડીઓ ઓગસ્ટમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ અગાઉ દુલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એકાદ-બે મેચ રમે. દુલીપ ટ્રોફી માટે પ્રાદેશિક પસંદગી સમિતિને બદલે રાષ્ટ્રીય પસંદગી સમિતિ પસંદગી કરશે.
બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનું આયોજન ઘરેલું જમીન પર થવાનું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે બંને શ્રેણી મહત્વની બની રહેશે. આ ઉપરાંત વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જવાનું છે.
આ પણ વાંચો – ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, ટી-20 અને વન-ડે સિરીઝની સંપૂર્ણ જાણકારી
દુલીપ ટ્રોફી માટે કોઈ ઝોનલ પસંદગી સમિતિ નહીં
પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી કહ્યું કે આ વખતે દુલીપ ટ્રોફી માટે કોઈ ઝોનલ સિલેક્શન કમિટી નથી. માત્ર રાષ્ટ્રીય પસંદગી સમિતિ જ દુલીપ ટીમોની પસંદગી કરશે. ટેસ્ટ ટીમના તમામ દાવેદારોની પસંદગી કરવામાં આવશે. રોહિત, વિરાટ અને બુમરાહ જાતે જ નક્કી કરશે કે તેઓ રમવા માંગે છે કે નહીં.





