Border Gavaskar Trophy 2024: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને બંને દેશો વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ભારતે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી અને હવે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે અને ટીમ ઈન્ડિયા આ માટે પૂરી રીતે તૈયાર છે. પરંતુ શું તમે જાણો છો કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એડિલેડમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા બેટ્સમેનના નામે છે.
એડિલેડમાં પોન્ટિંગના નામે સૌથી વધુ રન, કોહલી બીજા ક્રમે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી એડિલેડમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગના નામે નોંધાયેલો છે. પોન્ટિંગે આ મેદાન પર ભારત સામે 7 ઇનિંગ્સમાં કુલ 809 રન બનાવ્યા હતા અને તે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા ક્રમે છે. જેણે 8 મેચોમાં 509 રન બનાવ્યા છે. જોકે ભારત તરફથી આ મેદાન પર સૌથી વધુ રન ફટકારવામાં કોહલી મોખરે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એડિલેડમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં માઇકલ ક્લાર્ક ત્રીજા નંબર પર છે. જેણે 5 ઇનિંગ્સમાં 500 રન બનાવ્યા હતા. જ્યારે ચોથા સ્થાને રહેલા રાહુલ દ્રવિડે અહીં 8 ઇનિંગ્સમાં 401 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં પાંચમાં સ્થાન પર પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ છે જેણે કુલ 388 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડીઓ, જાણો કયા દેશના ક્રિકેટરે લગાવી હતી પ્રથમ ત્રેવડી સદી
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એડિલેડમાં સૌથી વધુ રન બનાવનારા પ્લેયર
- 809 રન – રિકી પોન્ટિંગ (7 ઇનિંગ્સ)
- 509 રન – વિરાટ કોહલી (8 ઇનિંગ્સ)
- 500 રન – માઇકલ ક્લાર્ક (5 ઇનિંગ્સ)
- 401 રન – રાહુલ દ્રવિડ (8 ઇનિંગ્સ)
- 388 રન – વીરેન્દ્ર સેહવાગ (6 ઇનિંગ્સ)
આ દરમિયાન તમને જણાવી દઈએ કે પ્રેક્ટિસ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. પરંતુ તે ખાસ કમાલ કરી શક્યો ન હતો અને તે 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો.





