Gautam Gambhir : મેલબોર્ન ટેસ્ટ મેચમાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ભારત આ મેચમાં ડ્રો ની સ્થિતિમાં પહોંચી ગયું હતું પરંતુ છેલ્લા દિવસના અંતિમ સેશનમાં ટીમની ખરાબ બેટિંગના કારણે પરાજય થયો હતો. હાર બાદ ગંભીરે ડ્રેસિંગ રુમમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે બહુ થયું. ગંભીરે આરોપ લગાવ્યો હતો કે ખેલાડીઓ ઇરાદો બતાવી રહ્યા છે પરંતુ ટીમ વિશે વિચારતા નથી.
ગૌતમ ગંભીરે ખેલાડીઓ પર આકરા પ્રહારો કર્યા
ગંભીરના મતે હવે આવું નહીં થાય. હવે ખેલાડીઓ નેચરલ રમત નહીં પણ તેમના હિસાબે રમશે. ગંભીરે આ સમય દરમિયાન કોઈ એક ખેલાડીનું નામ લીધું ન હતું પરંતુ બેદરકારીને કારણે વિકેટ ગુમાવનારાઓની ઝાટકણી કાઢી છે. ગંભીર ખાસ કરીને મેચમાં ગેમ પ્લાન પ્રમાણે ન રમવાના કારણે નારાજ હતો. તેમણે કહ્યું હતું કે નેચરલ ગેમના નામે ઘણા ખેલાડીઓ પોતાના હિસાબે બેટિંગ કરતા હતા, જ્યારે તેમણે પરિસ્થિતિ અનુસાર રમવું જોઈતું હતું. ગંભીરે કહ્યું કે હવે આવું નહીં ચાલે.
ખેલાડીઓ પ્લાન પ્રમાણે ન ચાલ્યા
ગંભીરે કોઈનું નામ લીધું ન હતું પણ સ્પષ્ટ કરી દીધું હતું કે ખેલાડીઓ તેમની પોતાની તથાકથિત નેચરલ ગેમ રમ્યા પણ પરિસ્થિતિ અનુસાર રમતા ન હતા. તેઓએ ટીમની યોજના મુજબ કામ કર્યું ન હતું. ગંભીરે એમ પણ કહ્યું કે છેલ્લા છ મહિનામાં તેમણે ટીમને નક્કી કરવા દીધું હતું કે તેમને શું જોઈએ છે, પણ હવે ખેલાડીઓ તે જ કરશે જે ગંભીર ઈચ્છે છે. જે પણ તેમના નિર્ણયો નહીં માને તેમને થેંક્યુ કહીને બહાર કરવામાં વિલંબ કરશે નહીં.
આ પણ વાંચો – ભારતીય ડ્રેસિંગ રૂમમાં ભાગલા, કેપ્ટનના સપના જોઈ રહ્યા છે ખેલાડી
ગૌતમ ગંભીર આકરા મૂડમાં
ભારત હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં છે. જોકે હવે રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ગંભીરે હવે કડકાઈ દાખવવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સૂત્રોએ એમ પણ કહ્યું છે કે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ આદર્શ સ્થિતિ ઘણું દૂર છે. ટીમમાં ઘણો તણાવ છે. એવું જાણવા મળ્યું છે કે પર્થ ટેસ્ટમાં જીત બાદ ગંભીર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સામેલ કરવા માંગતા હતા. પરંતુ પસંદગીકારોએ પ્રસ્તાવ ફગાવી દીધો હતો . પૂજારા પાસે 100 ટેસ્ટ મેચો રમવાનો અનુભવ છે અને આઉટ ઓફ ફેવર ટેસ્ટ નિષ્ણાત છે.