England cricket club bans batsmen to hit six : ક્રિકેટના મેદાનમાં જ્યાં સુધી ફોર-સિક્સર જોવા ન મળે ત્યાં સુધી પ્રશંસકોને મજા આવતી નથી. જેમ જેમ ટી 20 ક્રિકેટ વધી રહ્યું છે તેમ તેમ મેચમાં સિક્સરો પણ વધારે જોવા મળી રહી છે. જોકે ઇંગ્લેન્ડની સાઉથવિક અને શોરેહામ ક્રિકેટ ક્લબે ખેલાડીઓને સિક્સર ફટકારવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો બેટ્સમેન મેચ દરમિયાન સિક્સર ફટકારશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે.
આ પ્રતિબંધ પાછળ એક ખૂબ જ રસપ્રદ કહાની જોવા મળી રહી છે. સ્ટેડિયમની આસપાસ રહેતા લોકોએ તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કારણ આગળ ધરીને ફરિયાદ નોંધવી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મેચ જોવા આવતા લોકોને ઈજા અને વાહનોને નુકસાનના કિસ્સા વધી રહ્યા છે.
ખેલાડી સિક્સર ફટકારશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે
આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ક્રિકેટ ક્લબે એક વિચિત્ર નિયમ બનાવ્યો છે. જ્યારે પણ કોઈ ખેલાડી પ્રથમ સિક્સર ફટકારશે ત્યારે તેને ચેતવણી તરીકે જોવામાં આવશે અને જે ટીમના ખેલાડીએ સિક્સર ફટકારી હોય તેને કોઈ રન નહીં મળે. આ સાથે જ ત્યાર બાદ જો તે ખેલાડી સિક્સર ફટકારશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે. ક્લબના ખજાનચીએ પણ આ મામલે નોંધ લીધી છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને કેમ ન બનાવ્યો ટી 20 ટીમનો કેપ્ટન, જાણો, ગંભીરે કોહલી વિશે શું કહ્યું
વીમાના દાવા અને કાનૂની કાર્યવાહીના ખર્ચથી બચવા માટે આ નિયમ બનાવ્યો
સાઉથવિક અને શોરેહામ ક્રિકેટ કલબના ટ્રેઝરર માર્ક બ્રોક્સઅપે આ નિર્ણય અંગે માહિતી આપતાં કહ્યું કે તેઓએ વીમાના દાવા અને કાનૂની કાર્યવાહીના ખર્ચથી બચવા માટે આ નિયમ બનાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રાચીન સમયમાં શાંત વાતાવરણમાં ક્રિકેટ રમાતું હતું. પરંતુ ટી-20 અને વન-ડે ક્રિકેટના આગમન બાદ આ રમતમાં વધુ આક્રમકતા જોવા મળી રહી છે.
સ્ટેડિયમની નજીક રહેતા એક 80 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે આજકાલ ખેલાડીઓ એટલા ઉત્સાહી થઇ ગયા છે કે, તેમની સામે સિક્સર ફટકારવા માટે સ્ટેડિયમ પણ નાનું થઇ રહ્યું છે.
ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
આ નવા અને વિચિત્ર નિયમ આવ્યા બાદ ખેલાડીઓ સતત વિરોધ કરી રહ્યા છે. એક બેટ્સમેને કહ્યું હતું કે સિક્સર ફટકારવી એ આ રમતની ઓળખ છે, તેના પર પ્રતિબંધ કેવી રીતે મૂકી શકાય. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટ મેચોમાંથી રોમાંચને બાકાત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ એક ખેલાડીએ કહ્યું કે આજકાલ દરેક વ્યક્તિ માત્ર સ્વાસ્થ્યની જ ચિંતા કરે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ સ્ટેડિયમને કારણે થયેલા નુકસાનને કારણે સ્પોર્ટ્સ ક્લબોમાંથી ઘણો નફો મેળવી રહી છે.





