Champions Trophy 2025, Team India Practice Match : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા દુબઇમાં બાંગ્લાદેશ અથવા સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સામે પ્રેક્ટિસ મેચ રમી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભારત ટૂર્નામેન્ટની તૈયારી માટે પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે, પરંતુ હજુ સુધી મેચની તારીખ નક્કી કરવામાં આવી નથી.
ભારત અને બાંગ્લાદેશની બંને ટીમોની વોર્મઅપ મેચો દુબઈમાં યોજાવા જઈ રહી છે, જેના કારણે બંને ટીમો આમને-સામને ટકરાશે તેવી શક્યતા છે. જો બાંગ્લાદેશ ઉપલબ્ધ નહીં હોય તો ભારત યુએઈ સામે રમશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ આઠ વર્ષના ગાળા બાદ પુનરાગમન કરી રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 9 ફેબ્રુઆરીએ થશે
આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 સુધી યોજાશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ચાર સ્થળો (કરાચી, લાહોર, રાવલપિંડી અને દુબઈ)માં કુલ 15 મેચ રમાશે. ભારત 20 ફેબ્રુઆરીએ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારત વિ પાકિસ્તાનની મેચ 23 ફેબ્રુઆરી રમાશે
ભારત 23 ફેબ્રુઆરીએ દુબઈમાં બહુપ્રતિક્ષિત મુકાબલામાં પાકિસ્તાન સામે ટકરાશે. આ પછી ભારત 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ રાઉન્ડની અંતિમ મેચ રમશે. દુબઈ જતાં પહેલાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે આ મેચો 6 ફેબ્રુઆરીએ નાગપુર, 9 ફેબ્રુઆરીએ કટક અને 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો, આ ખેલાડીઓને રાખ્યા પાછળ
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની જાહેરાત કરી દીધી
ભારતે આ ટૂર્નામેન્ટ માટે 18 જાન્યુઆરીએ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલ તેના ડેપ્યુટીની જવાબદારી સંભાળશે. સ્ટાર પેસર જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
સંજુ સેમસન અને ઇશાન કિશનથી આગળ પ્રથમ પસંદગીના વિકેટકીપર તરીકે ઋષભ પંતની પસંદગી કરવામાં આવી છે. સ્પિનર કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે. કુલદીપ યાદવે છેલ્લે ઓક્ટોબર 2024માં ન્યુઝીલેન્ડ સામે સ્પર્ધાત્મક મેચ રમી હતી.





