Pakistan vs England First Test: પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પિચને લઇને ઘણા પ્રકારની વાતો સાંભળવી પડી હતી. આ પછી મેચના અંતિમ દિવસે ડીઆરએસમાં ગરબડી જોવા મળી હતી. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા વિવાદો થયા હતા. ક્યારેક પિચને લઇને તો ક્યારેક ડીઆરએસને લઇને. પ્રથમ ટેસ્ટ પાંચેય દિવસ ચર્ચામાં રહી હતી.
પાંચમાં દિવસે ટી બ્રેક પહેલા જેક લીચના બોલ પર અમ્પાયરે આગા સલમાનને આઉટ આપ્યો હતો. સલમાને અમ્પાયરના નિર્ણય સામે ડીઆરએસ લીધો હતો. રિપ્લેમાં જે જોવા મળ્યું તે ઘણુ ચોંકાવનારું રહ્યું હતું. રિપ્લેમાં બોલ યોગ્ય જગ્યાએ પિચ કરી રહ્યો હતો અને બોલ વિકેટોની લાઇનમાં પણ હતો. જોકે જ્યારે પુરી રીતે રિપ્લે દેખાડ્યો તો બોલ સ્ટમ્પની ઉપર જઈ રહ્યો હતો. આ પછી અમ્પાયરે પોતાનો નિર્ણય બદલીને નોટ આઉટ આપ્યો હતો.
આ પણ વાંચો – પીસીબી અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું- પાકિસ્તાન પાસેથી યજમાની છીનવી તો એશિયા કપમાં નહીં રમીએ
આ કારણે ઘણો વિવાદ થયો હતો. ટ્વિટર ઉપર તો આ મુદ્દા પર ઘણી પ્રતિક્રિયા આવી હતી. લોકોએ કહ્યું કે ડીઆરએસ બરાબર ન હતો. બોલ બિલકુલ સ્ટમ્પ પર લાગતો હતો.
ઇંગ્લેન્ડે 22 વર્ષ પછી જીત્યો મુકાબલો
ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં 74 રને વિજય મેળવી 22 વર્ષ પછી પાકિસ્તાનની ધરતી પર કોઇ મુકાબલો જીત્યો છે. આ મેચમાં કુલ 1750થી વધારે રન બન્યા હતા. આ 21મી સદીની એક મેચમાં સૌથી વધારે રન બનાવવાનો પણ રેકોર્ડ બન્યો છે. આ ટેસ્ટમાં પાકિસ્તાનને જીતવા માટે 343 રનની જરૂર હતી. જોકે પાકિસ્તાનની ટીમ 268 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ઇંગ્લેન્ડે 3 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 9 ડિસેમ્બરે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.