Harbhajan Singh : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કાપણે વિવાદ થઇ રહ્યો છે. હરભજન સિંહ અબુ ધાબી ટી-10 લીગ દરમિયાન પાકિસ્તાની બોલર શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. 2025ની શરૂઆતમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ હવે હાથ મિલાવ્યો છે.
હરભજન સિંહ અબુ ધાબી ટી-10 લીગમાં રમી રહ્યો છે
હરભજન સિંહ હાલમાં અબુ ધાબી ટી-10 લીગમાં રમી રહ્યો છે અને 19 નવેમ્બરે ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં નોર્ધન વોરિયર્સ સામેની પોતાની ટીમની મેચ બાદ પાકિસ્તાની બોલર શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્યો હતો. પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વધુ ખરાબ બન્યા છે અને તેની અસર ટી-20 એશિયા કપ, વિમેન્સ વન ડે વર્લ્ડ કપ, એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં પણ જોવા મળી હતી. જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નથી.
નોર્ધન વોરિયર્સનો 4 રને વિજય
અબુ ધાબી ટી-10 લીગની મેચમાં નોર્ધન વોરિયર્સે એસ્પિન સ્ટાલિયન્સ સામે ચાર રનથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં નોર્ધન વોરિયર્સે 10 એક વિકેટે 114 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટાલિયન્સે 10 ઓવરમાં સાત વિકેટે 110 રન બનાવ્યા હતા વોરિયર્સ તરફથી શાહનવાઝ દહાનીએ 10 રનમાં બે વિકેટ ઝડપતાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. સ્ટાલિયન્સની કેપ્ટન્સી કરી રહેલા હરભજન સિંહે એક ઓવરમાં આઠ રન આપ્યા હતા અને બેટીંગ કરતી વખતે એક રનમાં રનઆઉટ થયો હતો.
આ પણ વાંચો – રણજી ટ્રોફીમાં બબાલ, બે વખત બેટથી બોલ મારવા પર બેટ્સમેનને અપાયો આઉટ, જાણો શું છે નિયમ
ભારતીય પ્લેયર્સ પાકિસ્તાન પ્લેયર્સ સાથે હાથ મિલાવતા નથી
પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો ટ્રેન્ડ એશિયા કપ દરમિયાન ત્યારે શરુ થયો હતો જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો. આ વિમેન્સ વર્લ્ડ કપમાં પણ યથાવત્ રહ્યું હતું જ્યારે હરમનપ્રીત કૌર અને ફાતિમા સનાએ કોલંબોમાં હાથ મિલાવ્યા ન હતા અને ત્યાર બાદ દોહામાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની મેચ દરમિયાન પણ આવું જ બન્યું હતું. જોકે 16 નવેમ્બરે શ્રીલંકાના કટુનાયકેના બીઓઆઈ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ટી-20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ મેચ બાદ બંને ટીમોની ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા.
વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાન પર આસાનીથી વિજય મેળવ્યો હતો અને એક જ બસમાં સાથે મુસાફરી કરી રહેલી ટીમોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનની કેપ્ટન નિમરા રફીકે ભારતની જીતના વખાણ કર્યા હતા, જ્યારે ભારતની કેપ્ટન દીપિકાએ પાકિસ્તાનના પ્રયાસની પ્રશંસા કરી હતી.





