Hardik Pandya : પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હાલના દિવસોમાં આઈપીએલ 2024 રમવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ કથિત રીતે તેમને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. વૈભવ પંડ્યાની મુંબઈ પોલીસે લગભગ 4.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે.
પોલીસ વિભાગની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)ના મતે વૈભવ સાથે પંડ્યા બંધુઓએ 2021માં પોલિમર બિઝનેસ ફર્મ સ્થાપી હતી અને વૈભવ રોજિંદા કામકાજની દેખરેખ રાખવાનો હતો. વૈભવે કરારની શરતોનો ભંગ કર્યો હતો અને બંને ભાઈઓને અંધારામાં રાખીને તે જ વ્યવસાયમાં (કોઈ અન્ય વ્યક્તિના નામે) પોતાની માલિકીની પેઢી સ્થાપી હતી.
હાર્દિક અને કૃણાલ સાથે ભાગીદારીના કરારનો ભંગ
EOW અધિકારીએ જણાવ્યું હતું કે બાદમાં વૈભવે કથિત રીતે એલએલપી (મર્યાદિત જવાબદારી ભાગીદારી) ફર્મમાંથી પૈસા પોતાની પેઢીમાં ડાયવર્ટ કર્યા હતા. ધીરે ધીરે ભાગીદારી પેઢીનો નફો ઘટતો ગયો. આ ઉપરાંત વૈભવે તેના નિયત હિસ્સા કરતાં વધુ હોવાના કારણે બંને ભાઈઓને જાણ કર્યા વિના એલએલપી ફર્મમાં તેના નફાની ટકાવારીમાં કથિત રીતે છેતરપિંડી કરી હતી. આ માટે તેણે કથિત રીતે એલએલપી કરાર પર પંડ્યા બંધુઓની નકલી સહીઓ કરી હતી.
આ પણ વાંચો – આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સ, ટોપ-10માં ભારતના આ 4 ખેલાડીઓ સામેલ
ભાગીદારીની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલ બંને 40-40 ટકા મૂડી રોકાણ કરશે. જ્યારે સાવકો ભાઈ વૈભવ 20 ટકા રોકાણ કરશે અને રોજબરોજની બાબતો સંભાળી લેશે. નફો એ જ પ્રમાણમાં વહેંચવાનો હતો. જો કે વૈભવે ભાગીદારી કરારનો ભંગ કરીને હાર્દિક-કૃણાલને જાણ કર્યા વગર આ જ ધંધામાં કાર્યરત બીજી પેઢીની સ્થાપના કરી હતી.
વૈભવે કથિત રીતે પ્રતિષ્ઠાને કલંકિત કરવાની ધમકી આપી હતી
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સાવકા ભાઈએ ગુપ્ત રીતે તેનો નફો 20 ટકાથી વધારીને 33.3 ટકા કર્યો છે. જેના કારણે મૂળ ભાગીદારીના નફામાં ઘટાડો થયો હતો, જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડયાને રુપિયા 3 કરોડનું નુકસાન થયું હતું. એટલું જ નહીં સાવકા ભાઈ કથિત રીતે ભાગીદારી પેઢીના ખાતામાંથી 1 કરોડ રૂપિયા લઈને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. હાર્દિક પંડયાએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે વૈભવે કથિત રીતે પંડયા બ્રધર્સની પ્રતિષ્ઠાને કલંકિત કરવાની ધમકી આપી હતી.





