Champions Trophy 2025 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે અને આ માટે ટીમ ઈન્ડિયા દુબઈ પહોંચી ગઈ છે. ભારતે ટી 20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું અને હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીતવાનો પ્રયાસ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલીના બેટિંગ પર રહેશે, કારણ કે આ બંનેની છેલ્લી આઇસીસી ઇવેન્ટ હોઈ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ સિઝનમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રન બનાવવા માટે તમામ પ્રયત્નો કરશે કારણ કે તેમને આ ટૂર્નામેન્ટના મહત્વ વિશે સંપૂર્ણ જાણકારી છે અને આ દરમિયાન આ બંનેમાંથી કયો ખેલાડી સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી શકશે, જે આ આઇસીસી ઇવેન્ટમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ધરાવે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગાંગુલીએ સૌથી વધુ સિક્સર ફટકારી
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે નોંધાયેલો છે, જેમણે 13 મેચમાં 17 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ક્રિસ ગેલ આ યાદીમાં બીજા ક્રમે છે જેણે 17 મેચમાં 15 છગ્ગા ફટકાર્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગન છે, જેના નામે 13 મેચમાં 14 સિક્સર છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા અને રનર્સ અપ ટીમ થશે માલામાલ
વિરાટ અને રોહિતના નામે 8-8 સિક્સર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રન મશીન વિરાટ કોહલી અને રોહિત શર્માની વાત કરીએ તો કોહલીએ અત્યાર સુધીમાં 13 મેચમાં 8 સિક્સર ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ આ ઇવેન્ટમાં અત્યાર સુધીમાં 10 મેચમાં 8 સિક્સર ફટકારી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની આ સિઝનમાં ગાંગુલીનો રેકોર્ડ તોડવા માટે બંને બેટ્સમેનોને 10-10 સિક્સરની જરુર છે. આ બેમાંથી જે પણ બેટ્સમેન પ્રથમ 10 સિક્સર ફટકારે છે, તે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની જશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ટોચના 5 બેટ્સમેન
- સૌરવ ગાંગુલી – 17 સિક્સર
- ક્રિસ ગેલ – 15 સિક્સર
- ઇયોન મોર્ગન – 14 સિક્સર
- શેન વોટસન – 12 સિક્સર
- પોલ કોલિંગવુડ – 11 સિક્સર





