T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં એક ફાઇનલ ટીમનું નામ નક્કી થઇ ગયું છે. સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત ફાઈનલની ટિકિટ મેળવી છે. અફઘાનિસ્તાનની ટીમ સુપર 8ની મેચ રમ્યા બાદ સેમિ ફાઈનલ રમવા માટે મોડી ત્રિનિદાદ લેટ પહોંચી હતી. તેમની ફ્લાઈટ મોડી પડી હતી. અફઘાનિસ્તાનની ફરિયાદ બાદ કહેવામાં આવ્યું હતું કે આઇસીસી ભારતને લઇને બાકીની ટીમો સાથે પક્ષપાત કરી રહ્યું છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વિટર પર લખ્યું કે નિશ્ચિત રુપે આ સેમિ ફાઈનલ ગુયાનામાં જ થવી જોઈતી હતી. પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર બનાવવામાં આવી છે. તો આ અન્ય ટીમો સાથે ખૂબ જ અન્યાયી છે.
ભારતની સેમિ ફાઈનલ મેચ પહેલાથી જ નક્કી હતી
કાર્યક્રમ અનુસાર પહેલાથી જ નક્કી હતું કે જો ભારત સેમિ ફાઈનલમાં પહોંચશે તો તેમની મેચ ગુયાનામાં જ થશે. આ મેચ ગુયાનાના સમય મુજબ સવારે અને ભારતના સમય મુજબ રાત્રે રમાશે. આ જ કારણે અફઘાનિસ્તાન આખરી ગ્રુપ રાઉન્ડની મેચ રમવા છતાં પ્રથમ સેમિ ફાઈનલ માટે ત્રિનિદાદ જવું પડયું હતું.
1992માં પણ ઓસ્ટ્રેલિયાનું સેમિ ફાઇનલ સ્થળ નક્કી હતું
જોકે આ પહેલી વખત નથી કે આઇસીસીએ બ્રોડકાસ્ટર્સ અને ડોમેસ્ટિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને કેટલીક ટીમોના સ્થળો નક્કી કરી લીધા હોય. વર્લ્ડ કપ 1992માં ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો. જો ઓસ્ટ્રેલિયા સેમિ ફાઈનલમાં પ્રવેશે તો તેમની મેચ ક્યાં હશે તે નક્કી જ હતું.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ અને રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદનો ખતરો, જાણો તો કોણ બનશે ચેમ્પિયન
બીજી તરફ જો ન્યૂઝીલેન્ડનો મુકાબલો સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ન થાય તો તેનું સ્થળ પણ નક્કી થઈ જાય તેમ હતું. ઈમરાન ખાનની ઓટોબાયોગ્રાફી મુજબ આ જ કારણે ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન સામેની છેલ્લી લીગ મેચમાં કંઈ ખાસ કર્યું ન હતું. જેથી તેમને હોમ ગ્રાઉન્ડ પર મેચ રમવાની તક મળે.
1996માં પાકિસ્તાન પાસે પણ એક વિકલ્પ હતો
1996ના વર્લ્ડ કપમાં પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હતું કે જો પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલ રમશે અને તેમની મેચ ભારત સામે નહીં હોય તો તેમને ઘરઆંગણે આ મેચ રમવાની તક મળશે. જોકે ક્વાર્ટર ફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થયો હતો અને આ મેચ બેંગાલુરુમાં રમાઈ હતી.
2011માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશે વર્લ્ડ કપની યજમાની કરી હતી. આ પછી નક્કી કરવામાં આવ્યું હતુ કે તમામ યજમાન ટીમો નોકઆઉટ મેચો તેમના ઘરઆંગણે જ રમશે. આઇસીસી લગભગ 30 વર્ષથી આમ કરી રહ્યું છે પણ આ પ્રશ્ન અગાઉ ક્યારેય ઉઠ્યો નથી. જોકે હવે જ્યારે વ્યૂઅરશિપના કારણે ભારતને આ ફાયદો આપવામાં આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે.





