Womens World Cup 2025 Semi Final Race : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC મહિલા વર્લ્ડ કપ 2025 ની ચોથી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતનો આ સતત બીજો પરાજય હતો અને આ પછી ટીમ ઈન્ડિયા માટે સેમિ ફાઈનલમાં પ્રવેશવાનો રસ્તો આસાન રહ્યો નથી.
ભારતના 4 મેચમાં 4 પોઇન્ટ
ભારત અત્યાર સુધી 4 મેચ રમ્યું છે અને તેમાંથી ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી ત્રીજી અને ચોથી મેચમાં પરાજય થયો હતો. બે હાર બાદ ભારતના હવે 4 પોઈન્ટ છે અને રનરેટ હાલમાં +0.682 છે. ભારતે હવે વર્લ્ડ કપ 2025માં 3 લીગ મેચ રમવાની છે અને સેમિ ફાઈનલમાં પહોંચવા માટે ત્રણેય મેચ જીતવી પડશે.
ભારતે સેમિ ફાઈનલમાં પહોંચવા માટે આગામી તમામ મેચ જીતવી પડશે
હરમનપ્રીત કૌરની ટીમે હવે ઈંગ્લેન્ડ (19 ઓક્ટોબર), ન્યૂઝીલેન્ડ (23 ઓક્ટોબર)અને બાંગ્લાદેશ (26 ઓક્ટોબર)સામે મેચ રમવાની બાકી છે અને ભારતે આ ત્રણેય ટીમોને હરાવવાની સાથે જીતનું અંતર પણ મોટું રાખવું પડશે. આ પછી જ ટીમ ઈન્ડિયા ટોપ 4માં સ્થાન મેળવીને સેમિ ફાઈનલની ટિકિટ કાપી શકશે. ભારત હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે અને આગામી 3 મેચ જીત્યા બાદ આ ટીમના 10 પોઈન્ટ થશે.
આ પણ વાંચો – સ્મૃતિ મંધાનાએ 5000 રન પુરા કરી મેળવી ખાસ સિદ્ધિ, કોહલીનો રેકોર્ડ તોડ્યો
હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને સાઉથ આફ્રિકા છે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ આ રેસમાં યથાવત છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પાસે પણ મહત્તમ 10 પોઈન્ટ્સ સુધી પહોંચવાની તક છે, તેથી ભારતે તેનો નેટ રનરેટ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ કરતાં વધુ સારો જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે.
બીજી તરફ જો ભારત તેની બાકીની 3 લીગ મેચોમાંથી એક પણ હારશે તો તેમના માટે આગળનો રસ્તો આસાન નહીં રહે અને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ બાદ પોઈન્ટ ટેબલ
ટીમ | મેચ | જીત | હાર | પોઇન્ટ | રન રેટ |
ઓસ્ટ્રેલિયા | 4 | 3 | 0 | 7 | 1.353 |
ઇંગ્લેન્ડ | 3 | 3 | 0 | 6 | 1.864 |
ભારત | 4 | 2 | 2 | 4 | 0.682 |
દક્ષિણ આફ્રિકા | 3 | 2 | 1 | 4 | -0.888 |
ન્યૂઝીલેન્ડ | 3 | 1 | 2 | 2 | -0.245 |
બાંગ્લાદેશ | 3 | 1 | 2 | 2 | -0.357 |
શ્રીલંકા | 3 | 0 | 2 | 1 | -1.526 |
પાકિસ્તાન | 3 | 0 | 3 | 0 | -1.887 |