Bharat on Indian jerseys : વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પલ્લીકેલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. તેની સાથે કેપ્ટન રોહિત શર્મા પણ હતો. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના ખેલાડીઓની યાદી એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરી હતી.
આ પછી ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે બીસીસીઆઇ અને બોર્ડના સેક્રેટરી જય શાહને જર્સીનું નામ બદલવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ઇન્ડિયાને બદલે ભારત લખેલી જર્સી પહેરીને મેદાનમાં ઉતરવું જોઇએ.
જણાવી દઈએ કે જી-20 સમિટ દરમિયાન યોજાનાર ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય છે. આ દરમિયાન વીરેન્દ્ર સહેવાગે આ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
BCCIના ટ્વિટ પર વીરેન્દ્ર સેહવાગે શું કહ્યું?
ભારતીય ટીમની જાહેરાત પર બીસીસીઆઈના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે ટીમ ઈન્ડિયા નહીં ટીમ ભારત. આ વર્લ્ડ કપમાં જ્યારે આપણી પાસે કોહલી, રોહિત, બુમરાહ, જડ્ડુ હશે ત્યારે આપણા દિલમાં ભારત હશે અને ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હશે. વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈના સચિવ જય શાહને પણ ટેગ કર્યા હતા.
આ પણ વાંચો – ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે, જાણો કેવો છે તેમનો વન-ડેમાં રેકોર્ડ
સેહવાગે કર્યો હતો #BHAvsPAK નો ઉપયોગ
વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ટ્વિટ કરતી વખતે #BHAvsPAK ઉપયોગ કર્યો હતો. તેણે લઇને તેમણે કહ્યું કે હું હંમેશાં માનું છું કે નામ એવું હોવું જોઈએ જે આપણામાં ગૌરવ ઉભો કરે. આપણે ભારતીય છીએ, ઇન્ડિયા અંગ્રેજોએ આપેલું નામ છે અને સત્તાવાર રીતે આપણું મૂળ નામ ‘ભારત’ પાછું મેળવવામાં ઘણો સમય લાગ્યો છે.
ઘણા દેશોએ અંગ્રેજોનું નામ બદલ્યું છે: સેહવાગ
વીરેન્દ્ર સહેવાગે ભારત નામને લઈને ઘણા ટ્વિટ કર્યા છે. આમાંથી એક ટ્વિટમાં તેમણે લખ્યું કે 1996ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ વર્લ્ડ કપ રમવા માટે હોલેન્ડ તરીકે ભારત આવ્યું હતું. 2003માં જ્યારે અમે તેમને મળ્યા હતા ત્યારે તેઓ નેધરલેન્ડ્સ હતા અને તેઓ હજુ પણ એવા જ છે. બર્માએ અંગ્રેજોએ આપેલું નામ બદલીને મ્યાનમાર કરી દીધું છે. બીજા ઘણા દેશો તેમના મૂળ નામ પર પાછા ફર્યા છે.





