Nitish Kumar Reddy Century : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમ પુનરાગમન કરવાની નજીક પહોંચી ગઈ છે. આનો સંપૂર્ણ શ્રેય નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને જાય છે. ઓસ્ટ્રેલિયાના દરેક પ્રવાસ પર ભારતને એક નવો ઉભરતો ખેલાડી મળે છે. 2024-25ના પ્રવાસમાં નીતિશ કુમાર રેડ્ડી મળ્યો છે. તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે, પરંતુ રન બનાવીને ભારતને સંકટમાંથી ઉગારી રહ્યો છે.
અલ્લુ અર્જુનની પુષ્પરાજ શૈલીમાં ઉજવણી કરી
આંધ્ર પ્રદેશના 21 વર્ષીય નીતિશ રેડ્ડીએ પોતાની પ્રથમ અડધી સદી ફટકારીને અલ્લુ અર્જુનની પુષ્પરાજ શૈલીમાં ઉજવણી કરી હતી. પછી તેણે આ ઈનિંગને સદીમાં ફેરવી અને બતાવ્યું કે તે ‘ફાયર નથી વાઇલ્ડ ફાયર છે’. જ્યારે નીતિશ ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતીય ટીમે 200ની અંદર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેણે ભારતને ફોલોઓનથી તો બચાવ્યું જ સાથે 350નો આંકડો પણ પાર કરાવ્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયા મોટી લીડ મેળવવાનું ચૂકી ગયું હતું.
આ પણ વાંચો – MCG માં સુરક્ષામાં ચુક, પ્રશંસક મેદાનમાં ઘુસ્યો, વિરાટ કોહલીના ખભા પર રાખ્યો હાથ, જુઓ વીડિયો
નીતિશ રેડ્ડી આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય
નીતિશ કુમાર રેડ્ડી આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયો છે. આ શ્રેણીમાં તેણે 4 મેચની 6 ઇનિંગ્સમાં 71ની એવરેજથી 284 રન બનાવ્યા છે. મેલબોર્નમાં ત્રીજા દિવસે ખરાબ પ્રકાશને કારણે રમત અટકાવી ત્યારે ભારતે 116 ઓવરમાં 9 વિકેટે 358 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને હજુ 116 રનની લીડ છે. નીતિશ કુમાર રેડ્ડી 105 રને રમતમાં છે. જેમાં તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી છે.
અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો
નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્નમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે નંબર 8 પર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં નંબર 8 કે તેનાથી નીચે બેટિંગ કરતા ભારત માટે નીતિશ રેડ્ડીએ સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ અનિલ કુંબલેના નામે હતો. તેણે 87 રન બનાવ્યા હતા.





