India vs Australia: અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ડાબા ક્વાડ્રિસેપ્સમાં ખેંચાણ સામે ઝઝૂમી રહ્યો છે. રાજકોટ વન-ડે માટે તેની પસંદગી શરતી રીતે કરવામાં આવી હતી, ટીમમાં સામેલ થવા માટે તે સંપૂર્ણપણે સાજો થયો નથી. હાલ તે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. ક્વાડ્રિસેપ્સ ઇજા એથ્લેટ્સને થતી સામાન્ય ઇજા છે. તેમાં સ્નાયુ ખેંચાઈ જવાની શક્યતા રહે છે.
ડાબોડી સ્પિનર અક્ષર પટેલની ગેરહાજરીમાં લાગે છે કે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં સમાવાયેલા રવિચંદ્રન અશ્વિન સંભવતઃ વર્લ્ડકપ 2023માં પણ ભાગ લઈ શકે છે. અશ્વિને પ્રથમ બે વન-ડેમાં શાનદાર ફોર્મ દર્શાવ્યું છે. અશ્વિને અત્યાર સુધી 2 મેચમાં 4 વિકેટ ઝડપી છે. ખાસ કરીને ઈન્દોરમાં રમાયેલી બીજી વન ડે દરમિયાન તેણે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.
જેના કારણે રવિચંદ્રન અશ્વિનને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવાની માગ થઇ રહી છે. જોકે વેબસાઈટે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અક્ષર વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે સમય પહેલા ભારતીય ટીમમાં વાપસીની રાહ પર છે.
આ પણ વાંચો – બીજી વન-ડે : ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતનો 99 રને વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી
રિપોર્ટ પ્રમાણે અક્ષર પટેલ વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચો માટે તૈયાર થઈ શકે છે. જેના કારણે અજિત અગરકર એન્ડ કંપની ગંભીર દુવિધામાં મુકાઈ શકે છે. જોકે આ તબક્કે અશ્વિનની તકો આશાસ્પદ લાગી રહી છે. પસંદગીકારોએ આગામી મેચ માટે અક્ષરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપ્યો
રાજકોટ વન ડે માટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે તેમાંથી કોઇ ઇન્દોરથી રાજકોટ નહીં જાય. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીથી પણ ટીમ ઇન્ડિયાને ફાયદો થશે. તેમને ત્રણ મેચની શ્રેણીની પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.
મોહાલીમાં રમાયેલી પ્રથમ વન ડે બાદ આરામ કરનાર અને ઈન્દોર ન ગયેલો જસપ્રીત બુમરાહ રાજકોટમાં ફરી ટીમની સાથે જોડાય તેવી આશા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને આખરી વન ડે તારીખ 27મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાવાની છે. પસંદગીકારોએ વર્લ્ડ કપની ટીમ માટે ફાઇનલ 15 ખેલાડીઓની યાદી 27મી સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવી પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મંગળવારે બપોરે ઇન્દોરથી રાજકોટ માટે ઉડાન ભરશે. ત્રણ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ છે.