IND vs AUS: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ અગાઉ બેટીંગ ઓર્ડર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે દર વખતે સવાલનો જવાબ નહીં આપે. આ વાતની ચિંતા ડ્રેસિંગ રૂમને છે અને તેઓ જાણે છે કે શું કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી ચોથી ટેસ્ટનો પ્રારંભ થશે.
રોહિત શર્માએ ઓપનિંગ કર્યું નથી
આ સિરીઝમાં રોહિત શર્માએ ઓપનિંગ કરી નથી. તે એડિલેડ અને બ્રિસ્બેનમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. આ ફેરફાર તેને ફળ્યો નથી અને તેણે અત્યાર સુધીમાં ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન બનાવ્યા છે. બીજી તરફ કેએલ રાહુલે ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 84 રન બનાવીને ઓર્ડરમાં ટોપ પર પોતાની દાવેદારી મજબૂત કરી હતી. જોકે ભારતીય કેપ્ટને કહ્યું હતું કે તે ટીમ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે.
રોહિત શર્માએ જાળવી રાખ્યું છે સસ્પેન્સ
રોહિત શર્માએ કહ્યું કે કોણ ક્યાં બેટિંગ કરશે તેની ચિંતા ન કરો. અમે નક્કી કરીશું કે કોણ ક્યાં બેટિંગ કરશે. અમારે તેના વિશે વિચારવાની જરૂર છે અને તે આ કોઇ એવી બાબત નથી કે જેની હું દરેક પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરું છું. હું ક્યાં બેટિંગ કરીશ. અમે ટીમ માટે જે શ્રેષ્ઠ છે તે કરીશું.
આ પણ વાંચો – ભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ : મેલબોર્નમાં 10 વર્ષથી અજેય છે ટીમ ઇન્ડિયા, આવો છે રેકોર્ડ
વિરાટ કોહલીના ફોર્મ પર રોહિત શર્માએ શું કહ્યું
વિરાટ કોહલીના કંગાળ ફોર્મ અને ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ રમવામાં પડતી મુશ્કેલી અંગે પૂછવામાં આવતા રોહિતે કહ્યું કે આ લેજન્ડરી બેટ્સમેન તેને દૂર કરવાનો રસ્તો શોધી કાઢશે. તમે કોહલીના ઓફ સ્ટમ્પ વિશે વાત કરી રહ્યા છો. તમે વર્તમાન સમયના દિગ્ગજ બેટ્સમેનની વાત કરી રહ્યા છો. આધુનિક યુગના મહાન બેટ્સમેનો પોતાનો માર્ગ જાતે તૈયાર કરે છે. કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી પરંતુ બીજી ટેસ્ટમાં તે માત્ર 7 અને 11 રન જ બનાવી શક્યો હતો. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચની એકમાત્ર ઇનિંગમાં તે ત્રણ રન બનાવીને આઉટ થઇ ગયો હતો.





