IND vs ENG : ભારત વિ. ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટમાં ભારતીય સ્પીનરે ખાસ સિદ્ધિ મેળવી છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ ભારત વિ. ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો હતો. ભારત વિ. ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં અશ્વિન-જાડેજાની જોડીએ અનિલ કુંબલે-હરભજન સિંહને પાછળ રાખી સૌથી સફળ ટેસ્ટ બોલિંગ જોડી બની હતી. આ જોડીએ 25 જાન્યુઆરીના રોજ પોતાની 502મી વિકેટ હાંસલ કરી હતી. અનિલ કુંબલે અને હરભજન સિંહે 54 મેચમાં 501 વિકેટ ઝડપી હતી. અશ્વિન-જાડેજાની જોડીએ 50મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.
ભારત વિ. ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઇ રહી છે. બોલિંગ જોડી દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો વર્તમાન રેકોર્ડ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડના નામે છે. આ જોડીએ 138 ટેસ્ટ મેચમાં 1039 વિકેટ ઝડપી છે. બ્રોડની નિવૃત્તિ બાદ આ જોડી તૂટી ગઈ હતી. હાલ જે જોડીઓ રમી રહી છે તેની વાત કરીએ તો મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોન સૌથી આગળ છે. તેમણે 81 ટેસ્ટમાં 643 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી ટેસ્ટ મેચ રમે કે ન રમે ટીમ ઇન્ડિયાની હાર-જીતમાં કંઇ ફરક પડતો નથી, આંકડામાં સમજો
ટેસ્ટમાં ભારતની સૌથી સફળ બોલિંગ જોડી
રવિચંદ્રન અશ્વિન (274) અને રવિન્દ્ર જાડેજા (226) – 50 ટેસ્ટમાં 503 વિકેટ.અનિલ કુંબલે (281) અને હરભજન સિંહ (220) – 54 ટેસ્ટમાં 501 વિકેટ.હરભજન સિંહ (268) અને ઝહીર ખાન (208)- 59 ટેસ્ટમાં 474 વિકેટ.રવિચંદ્રન અશ્વિન (278) અને ઉમેશ યાદવ (153) – 52 ટેસ્ટમાં 431 વિકેટ.અનિલ કુંબલે (225) અને જવાગલ શ્રીનાથ (187) – 52 ટેસ્ટમાં 412 વિકેટ.રવિચંદ્રન અશ્વિન (271) અને ઇશાંત શર્મા (131) – 52 ટેસ્ટમાં 402 વિકેટ.
ઇંગ્લેન્ડે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત વિ. ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 246 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત વિ. ઇગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે.