IND vs ENG 2nd Test : પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો 5 વિકેટે પરાજય અને 2 જુલાઇથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ વચ્ચે ઘણું બદલાઇ ગયું છે. પહેલા એ સ્પષ્ટ ન હતું કે જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં નહીં રમે, પરંતુ હવે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર બુમરાહ બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહીં હોય.
બુમરાહ, પ્રસિદ્ધનું બીજી ટેસ્ટમાં રમવા પર સંદેહ
બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનું પેસ આક્રમણ બીજી ટેસ્ટ મેચમાં ખુબ જ નબળું રહેશે, પણ તેનું વર્કલોડ મેનેજમેન્ટ પણ મહત્વનું છે. શુક્રવારે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન જોવા મળ્યું હતું કે પ્રસિદ્ધ કૃષ્ણા પ્રેક્ટિસ માટે નેટમાં ઉતર્યો ન હતો અને ટીમના ફિલ્ડિંગ કોચ અને હેડ કોચ ગૌતમ ગંભીર લાંબા સમય સુધી અર્શદીપ સિંહ અને આકાશદીપ સાથે વાતો કરતા રહ્યા, તેમજ બંનેએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી. આ પછી એવી માહિતી સામે આવી હતી કે, પ્રસિદ્ધ કૃષ્ણા પણ બીજી મેચમાં રમવા અંગે શંકાસ્પદ છે.
આકાશદીપ અને અર્શદીપની થઇ શકે છે એન્ટ્રી
હવે જો જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં ન હોય તો તેમનું સ્થાન કોણ લઈ શકે? જે રીતે સ્થિતિ સામે આવી છે તે મુજબ લાગે છે કે જસપ્રીત બુમરાહનું સ્થાન અર્શદીપ લઈ શકે છે જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ આકાશદીપને તક આપવામાં આવી શકે છે. આ સાથે જ શાર્દુલ ઠાકુરના સ્થાને કુલદીપ યાદવને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. ઘણા પૂર્વ ક્રિકેટર પણ અંતિમ અગિયારમાં કુલદીપને તક આપવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો – ટેસ્ટમાં સ્લો ઓવર રેટ પર 5 રનની પેનલ્ટી, થૂંક લગાવવા પર પર નહીં બદલાય બોલ પણ કિંમત ચુકવવી પડશે
સુદર્શન-કરૂણ નાયરને મળી શકે છે વધુ એક તક
ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં આ 3 ફેરફાર તો નિશ્ચિત જોઇ શકાય છે. હવે બેટિંગની વાત કરીએ તો અહીં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઈનિંગની શરૂઆત કરશે. ત્રીજા ક્રમે પ્રથમ ટેસ્ટમાં કંગાળ દેખાવ કરનારા સાઈ સુદર્શન પર ફરી ભરોસો મૂકી શકાય તેમ છે. કેપ્ટન ગિલ પોતે ચોથા નંબર પર રહેશે, જ્યારે ટીમનો વાઇસ કેપ્ટન ઋષભ પંત પાંચમા નંબર પર રહેશે. છઠ્ઠા નંબર પર ટીમ ફરીથી કરુણ નાયર પર વિશ્વાસ બતાવી શકે છે કારણ કે તેને 8 વર્ષ બાદ ટીમમાં લાવવામાં આવ્યો છે અને કદાચ આટલી જલ્દી તેને સાઈડલાઈન કરવામાં આવશે નહીં.
બીજી ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ.