IND vs ENG : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરી ઇંગ્લેન્ડની ટીમ સામે 106 રને વિજય મેળવ્યો હતો. આ જીત બાદ ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ભારતની આ જીતમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની બેટિંગ અને પછી જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગનો મોટો ફાળો રહ્યો હતો. રોહિત શર્માએ આ જીત સાથે એમએસ ધોનીનો મોટો રેકોર્ડ પણ તોડ્યો છે.
રોહિત શર્માએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો
રોહિતની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડની ટીમ સામે ભારતે 106 રનથી વિઝાગ ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે જ રોહિત શર્માએ એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે, જે ભારત માટે સૌથી વધુ જીતેલી મેચોનો હિસ્સો રહ્યા છે. રોહિત શર્મા આ જીત બાદ ભારત માટે 296મી જીતેલી મેચનો ભાગ રહ્યો છે, જ્યારે એમએસ ધોની ભારત માટે 295 જીતેલી મેચોમાં સામેલ રહ્યો હતો. હવે રોહિત શર્માએ ધોનીને પાછળ છોડીને આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પોતાનું સ્થાન બનાવી લીધું છે, જ્યારે ધોની ચોથા નંબર પર સરકી ગયો છે. વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ જીતેલી મેચોમાં સામેલ રહ્યો છે અને સચિન તેંડુલકર બીજા નંબરે છે.
આ પણ વાંચો – રણજી ટ્રોફીમાં છવાયો 12th Fail ના ડાયરેક્ટરનો પુત્ર, ફિલ્મી દુનિયાને ઠુકરાવી અગ્નિ ચોપડાએ પસંદ કરી ક્રિકેટ
ભારત માટે સૌથી વધારે જીતેલી મેચમાં ભાગ બનનાર ખેલાડીઓ
- 313 – વિરાટ કોહલી
- 307 – સચિન તેંડુલકર
- 296 – રોહિત શર્મા
- 295 – એમએસ ધોની
- 227 – યુવરાજ સિંહ
- 216 – રાહુલ દ્રવિડ
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગ્સમાં ભારતીય ટીમે જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ બીજી ઈનિંગ્સમાં મહેમાન ટીમ 292 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આ મેચની બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે બેસ્ટ સ્કોરર ક્રાઉલી રહ્યો હતો, જેણે 73 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ લીધી હતી. મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને બીજી ઈનિંગ્સમાં એક-એક સફળતા મળી હતી. પ્રથમ ઇનિંગ્સમાં બુમરાહે ભારત માટે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.