ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ, ભારત માટે સૌથી મુશ્કેલ રહેશે અંતિમ ટેસ્ટ? જાણો કારણ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7 માર્ચથી ધર્મશાળામાં પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાશે. ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે

Written by Ashish Goyal
February 29, 2024 18:54 IST
ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ, ભારત માટે સૌથી મુશ્કેલ રહેશે અંતિમ ટેસ્ટ? જાણો કારણ
ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ, ફાઇલ ફોટો (Source: Instagram @dharamshalalocal)

IND vs ENG 5th test : ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો શ્રેણીની આખરી ટેસ્ટમાં ધર્મશાળામાં આમને-સામને ટકરાશે. ભારતે દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં પણ ઈંગ્લેન્ડને શ્રેણીમાં હરાવ્યું છે. ભારત માટે ધર્મશાળા ટેસ્ટ સૌથી મોટી કસોટી બનવા જઈ રહી છે. તેનું મુખ્ય કારણ ધર્મશાળાનું હવામાન છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7 માર્ચથી ધર્મશાળામાં પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાશે

ભારત છેલ્લી ટેસ્ટમાં જીતવા માંગશે

પ્રથમ ટેસ્ટ જીતવા છતાં શ્રેણી ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડ જીત સાથે અભિયાનનો અંત લાવવા માંગશે. છેલ્લી મેચ ધર્મશાળામાં યોજાવાની છે જ્યાં ઇંગ્લેન્ડ માટે પરિસ્થિતિ ઘર જેવી હશે. જોકે પિચની સ્થિતિ હવામાન પર નિર્ભર રહેશે. ચોથી અને પાંચમી ટેસ્ટ વચ્ચે 10 દિવસનું અંતર હોવા છતાં ધર્મશાળાની પિચ પર એક સપ્તાહ વહેલું કામ શરુ થઈ ગયું હતુ.

15 દિવસ પહેલા પિચ પર કામ શરૂ

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર પિચ કેવી હશે તે ભેજ પર નિર્ભર કરે છે. જો વધુ ભેજ હશે તો ફાસ્ટ બોલરોને મદદ મળશે. ધરમશાળાના હવામાનને ધ્યાનમાં રાખીને 15-20 દિવસ અગાઉ જ પિચ વર્ક શરુ કરી દેવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણ હોય તો બોલમાં મૂવમેન્ટ થઈ શકે છે.

આ પણ વાંચો – ધર્મશાળા ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની થશે વાપસી? બે ખેલાડીઓને આરામ આપી શકે છે રોહિત શર્મા

આ શ્રેણીમાં અત્યાર સુધી ધીમી પિચ જોવા મળી છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પિચ ટર્ન થવા માંડે છે. ભારતીય ટીમ રાંચીમાં નાખુશ હતી જ્યાં બીજા દિવસે બોલ ઓછો ટર્ન થયો હતો અને છેલ્લા દિવસે બેટિંગ કરવી મુશ્કેલ બની ગઈ હતી.

ભેજ મહત્ત્વની ભૂમિકા ભજવશે

છેલ્લી ટેસ્ટમાં હવામાન મહત્વની ભૂમિકા ભજવશે. દિવસનું તાપમાન 15 ડિગ્રીથી વધુ વધી રહ્યું નથી. સાથે જ રાતનું તાપમાન 7 ડિગ્રી સુધી ઘટી જાય છે. આગામી દિવસોમાં વરસાદની પણ સંભાવના છે. ધર્મશાળાની પિચ કાળી માટીની બનેલી છે. આવી સ્થિતિમાં ધીમી પિચ બનાવવી મુશ્કેલ કામ નથી, પણ પિચના ભેજની ભૂમિકા આ માટે ખુબ જ મહત્વની રહેશે.

હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ શિયાળાના અંતે રમાઈ હતી. ઝાકળ અને ધુમ્મસના કારણે પ્રથમ સત્રમાં ભેજનું પ્રમાણ ઘણું રહ્યું હતું. ભારતની અપીલ પર ગ્રાઉન્ડ સ્ટાફે પિચનો ભેજ ઉડી જાય તે માટે પીચને ટ્રેપોલીનને બદલે કોથળાના કપડાથી ઢાંકી દીધી હતી. અહીંનું તાપમાન ઓછું હોવાના કારણે ધર્મશાળામાં ભેજનું પ્રમાણ વધુ સમય સુધી રહેશે. પિચને પાણી આપવામાં પણ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભેજનું પ્રમાણ વધારે હશે તો પાણી આપવામાં આવશે નહીં.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ