IND vs Eng: આર અશ્વિને ધર્મશાળા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરતા જ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં એક મહત્વની સિદ્ધિ નોંધાવી હતી. તે ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમનારો 14મો ભારતીય ક્રિકેટર બન્યો છે અને ઘણા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો હતો. એટલું જ નહીં અશ્વિન હવે ભારત તરફથી 100મી ટેસ્ટ મેચ રમનારો સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર બની ગયો છે અને તેણે સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે.
અશ્વિન 37 વર્ષ અને 172 દિવસની ઉંમરે 100મી ટેસ્ટ રમ્યો
જ્યારે આર અશ્વિન પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતર્યો ત્યારે તેની ઉંમર 37 વર્ષ અને 172 દિવસની હતી અને તે ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે નોંધાયેલો હતો, જેણે 35 વર્ષ અને 171 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ હવે અશ્વિને તેને પાછળ છોડી દીધો છે. ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી સચિન તેંડુલકર હતો, જેણે 29 વર્ષ અને 134 દિવસની ઉંમરે આ સિદ્ધી મેળવી હતી, જ્યારે કપિલ દેવ બીજા ક્રમે છે.
આ પણ વાંચો – 100મી ટેસ્ટ પહેલા અશ્વિન પર પૂર્વ ક્રિકેટરનો મોટો આરોપ, કહ્યું – કોલ કાપ્યો, મેસેજનો જવાબ ના આપ્યો
100 ટેસ્ટ રમનાર ભારતીય ક્રિકેટર
સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, કપિલ દેવ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વીવીએલ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, ઇશાંત શર્મા, હરભજન સિંહ, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. અશ્વિન પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે ધર્મશાળામાં ઉતર્યો ત્યારે ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે તેને ખાસ કેપ આપી હતી. અશ્વિનનો પરિવાર પણ તેની ટેસ્ટ કારકિર્દીના આ ઐતિહાસિક પ્રસંગે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યો.
100મી ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓની ઉંમર
- 29 વર્ષ 134 દિવસ – સચિન તેંડુલકર
- 30 વર્ષ 313 દિવસ – કપિલ દેવ
- 32 વર્ષ 175 દિવસ – ઇશાંત શર્મા
- 32 વર્ષ 232 દિવસ – દિલીપ વેંગસરકર
- 32 વર્ષ 234 દિવસ – હરભજન સિંહ
- 33 વર્ષ 119 દિવસ – રાહુલ દ્રવિડ
- 33 વર્ષ 119 દિવસ – વિરાટ કોહલી
- 34 વર્ષ 005 દિવસ – વીવીએસ લક્ષ્મણ
- 34 વર્ષ 034 દિવસ – વીરેન્દ્ર સેહવાગ
- 35 વર્ષ 023 દિવસ – ચેતેશ્વર પૂજારા
- 35 વર્ષ 062 દિવસ – અનિલ કુંબલે
- 35 વર્ષ 099 દિવસ – સુનીલ ગાવસ્કર
- 35 વર્ષ 171 દિવસ – સૌરવ ગાંગુલી
- 37 વર્ષ 172 દિવસ – આર અશ્વિન