IND vs ENG : ધર્મશાળા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પુરા કરી લીધા છે. તે ભારત માટે સૌથી ઓછી ટેસ્ટ મેચ રમીને 1000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે. સાથે જ ભારત તરફથી સૌથી ઓછી ઈનિગ્સમાં 1000 રનના આંકડાને સ્પર્શનાર બીજો ક્રિકેટર બન્યો છે. આ સિવાય મેચની પ્રથમ ઇનિંગ્સમાં 3 સિક્સર ફટકાર્યા બાદ તે ભારત તરફથી એક ટેસ્ટ મેચમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બન્યો છે અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વી 2023-25ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
યશસ્વીએ તોડ્યો પૂજારા, ગાવસ્કરનો રેકોર્ડ
યશસ્વીએ 9મી ટેસ્ટમાં પોતાના 1000 રન પૂરા કરીને સુનીલ ગાવસ્કર અને ચેતેશ્વર પૂજારાનો રેકોર્ડ તોડ્યો છે. જેમણે 11-11 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે તે ભારત માટે સૌથી ઓછી મેચ રમીને 1000 રન પૂરા કરનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે.
સૌથી ઓછી મેચ રમીને 1000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન
- 7 – ડોન બ્રેડમેન
- 9 – એવર્ટન વીક્સ
- 9 – હર્બર્ટ સટક્લિફ
- 9 – જ્યોર્જ હેડલી
- 9- યશસ્વી જયસ્વાલ
પૂજારાથી આગળ નીકળ્યો યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે 16 ઈનિંગમાં 1000 ટેસ્ટ રન પુરા કર્યા છે અને તે ભારત તરફથી સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. પૂજારાએ 18 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારત તરફથી સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. કાંબલીના નામે 14 ઇનિંગ્સમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ છે.
ભારત માટે સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન બનાવનાર બેટ્સમેન
- 14 – વિનોદ કાંબલી
- 16 – યશસ્વી જયસ્વાલ
- 18 – ચેતેશ્વર પૂજારા
- 19 – મયંક અગ્રવાલ
- 21 – સુનીલ ગાવસ્કર
આ પણ વાંચો – અશ્વિન 100 ટેસ્ટ રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બન્યો, 100 ટેસ્ટ રમનાર ઇન્ડિયન ખેલાડીઓની યાદી
1000 ટેસ્ટ રન સુધી પહોંચનારો ભારતનો સૌથી યુવા બેટ્સમેન
- 19 વર્ષ, 217 દિવસ – સચિન તેંડુલકર
- 21 વર્ષ, 27 દિવસ – કપિલ દેવ
- 21 વર્ષ, 197 દિવસ – રવિ શાસ્ત્રી
- 22 વર્ષ 70 દિવસ – યશસ્વી જયસ્વાલ
- 22 વર્ષ, 293 દિવસ – દિલીપ વેંગસરકર
ડેબ્યૂથી સૌથી ઓછા દિવસોમાં 1000 ટેસ્ટ રન પુરા કરનાર ખેલાડીઓ
- 166 દિવસ – માઇકલ હસી
- 185 દિવસ – એડેન માર્કરામ
- 207 દિવસ – એડમ વોગ્સ
- 227 દિવસ – એન્ડ્રુ સ્ટ્રાઉસ
- 239 દિવસ – યશસ્વી જયસ્વાલ
- 244 દિવસ – હર્બર્ટ સટક્લિફ
યશસ્વીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે 58 બોલમાં 3 સિક્સર અને 5 ફોરની મદદથી 57 રન ફટકાર્યા હતા. આ સાથે તે ભારત તરફથી કોઈ એક ટીમ સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો હતો, જેણે ટેસ્ટમાં એટલે કે ઓસ્ટ્રેલિયા સામેની એક ટીમ સામે કુલ 25 સિક્સર ફટકારી હતી. પરંતુ હવે યશસ્વીએ આ ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ 26 સિક્સર ફટકારીને સચિનને પાછળ રાખી દીધો છે.
ભારત તરફથી કોઈ એક ટીમ સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર
- યશસ્વી જસ્વાલ – 26 સિક્સર – ઇંગ્લેન્ડ
- સચિન તેંડુલકર – 25 સિક્સર – ઓસ્ટ્રેલિયા
- રોહિત શર્મા – 22 સિક્સર – દક્ષિણ આફ્રિકા