IND vs NZ 1st ODI , પ્રથમ વન-ડે : શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલેન્ડ સામે ચાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો વિજય, માઇકલ બ્રેસવેલના લડાયક 140 રન

India vs New Zealand ODI Updates : શુભમન ગિલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સર સાથે 208 રન બનાવ્યા, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી, માઇકલ બ્રેસવેલે 78 બોલમાં 12 ફોર અને 10 સિક્સર સાથે 140 રન ફટકાર્યા

Written by Ashish Goyal
Updated : January 18, 2023 22:38 IST
IND vs NZ 1st ODI , પ્રથમ વન-ડે : શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલેન્ડ સામે ચાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો વિજય, માઇકલ બ્રેસવેલના લડાયક 140 રન
શુભમન ગિલ

India vs New Zealand ODI Updates: શુભમન ગિલની બેવડી સદી (208)ની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 12 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે ચાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. છેલ્લે ભારતીય ટીમે વન-ડેમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ જીત મેળવી હતી.આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. બન્ને વચ્ચે બીજી વન-ડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે.

ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાય રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા (34) અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી (8) અને ઇશાન કિશન (5) સસ્તામાં આઉટ થયા હતા. શુભમને એક છેડો સાચવી રાખી 87 બોલમાં 100 રન પુરા કર્યા હતા.

સૂર્યકુમાર યાદવ (31), હાર્દિક પંડ્યા (28) સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા અને આઉટ થયા હતા. બીજી તરફ શુભમને શાનદાર બેટિંગ કરતા 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સર સાથે 208 રન બનાવ્યા હતા.

માઇકલ બ્રેસવેલે 78 બોલમાં 140 રન બનાવી મેચ રોમાંચક બનાવી

ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. કોનવે 10 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. ફિન એલન 40 રને આઉટ થયો હતો. નિકોલ્સ (18), મિચેલ (9), ફિલિપ્સ (11) આઉટ થતા ન્યૂઝીલેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડ આસાન પરાજય તરફ આગળ વધી રહ્યું ત્યારે સાતમાં ક્રમે આવેલા માઇકલ બ્રેસવેલે 78 બોલમાં 12 ફોર અને 10 સિક્સર સાથે 140 રન બનાવી મેચ રોમાંચક બનાવી હતી. મિચેલ સાન્તનરે 57 રન બનાવી સારો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો – ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે, આવો છે કાર્યક્રમ, એક ટી-20 મેચ અમદાવાદમાં રમાશે

શુભમન ગિલ વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ભારતનો પાંચમો પ્લેયર બન્યો

શુભમન ગિલ વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ભારતનો પાંચમો અને દુનિયાનો 8 મો પ્લેયર બન્યો છે. ભારત તરફથી શુભમન ગિલ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, ઇશાન કિશન વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.

શુભમન ગિલે વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી 1000 રન બનાવ્યા

મેચ દરમિયાન શુભમન ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીઓમાં પાકિસ્તાનના ઇમામ ઉલ હક સાથે સંયુક્ત રુપથી બીજા નંબરે આવી ગયો છે. શુભમને 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ઇમામ ઉલ હક પણ 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ટોચના સ્થાને પાકિસ્તાનનો ફખર ઝમાન છે. ફખર ઝમાને 18 ઇનિંગ્સમાં 1000 વન-ડે રન પુરા કર્યા છે. શુભમન ભારત તરફથી વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન કરનાર પ્લેયર બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન 24 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ