IND vs NZ 1st Test : બેંગલુરૂ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય વિકેટકીપર ઋષભ પંતને વિકેટકિપિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાના બોલથી ઇજા પહોંચી હતી. જાડેજાનો બોલ સીધો પંતના જમણા ઘુંટણ પર વાગ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવેલી છે. આ પછી તેણે મેદાન છોડી દીધું હતું અને રમતના ત્રીજા દિવસે પણ તે વિકેટકિપિંગ માટે આવ્યો ન હતો.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તેના ઘૂંટણમાં સોજો આવવાને કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો. હિટમેનના મતે ટીમ ઈન્ડિયા પંતને લઈને કોઈ જોખમ લેવા માગતી નથી, પણ હવે સવાલ એ છે કે જો પંત રમવાની સ્થિતિમાં નથી તો તેની બીજી ઈનિંગમાં કોણ બેટીંગ કરશે.
પંતની જગ્યાએ કોણ બેટિંગ કરશે
ઋષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ તેની જગ્યાએ ધ્રુવ જુરેલ વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ જો તે બેટિંગ કરવા ન આવે તો તેની જગ્યાએ જુરેલ બેટિંગ કરવા નહીં આવે. એટલે કે પંત ક્રિઝ પર ન ઉતરે તેવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 10 બેટ્સમેનો સાથે રમવું પડશે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
આઇસીસીના નિયમ અનુસાર અન્ય ખેલાડીને ત્યારે જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે જ્યારે તેને ઇજા થઇ હોય અથવા કોવિડ-19 થયો હોય. પંતે ઇજાની ફરિયાદ કરતો ન હોવાથી તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને બેટીંગમાં ઉતારી શકાય તેમ નથી.
પંતે પ્રથમ ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 46 રન બનાવી આઉટ થઇ ગઇ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા અને રચિન રવિન્દ્રએ 134 રનની સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ભારત પર 356 રનની લીડ મળી હતી.