IND vs NZ Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બેંગલુરું ટેસ્ટમાં ભાગ્યે જ કોઈને આશા હતી તેવો નજારો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે જે પ્રકારનો દબદબો રહ્યો છે, તે જોતાં ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે બેટ્સમેનનું સ્વર્ગ ગણાતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ ટીમ માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ જશે. આ સ્કોરને કારણે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડના નામે જે શરમજનક રેકોર્ડ હતો તે હવે ભારતનું નામે થઇ ગયો છે.
ભારતના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો
ભારતમાં રમાયેલી તમામ ટેસ્ટ મેચોમાં એક ઈનિંગમાં સૌથી લોએસ્ટ સ્કોર બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડના નામે હતો. વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ ભારતની ધરતી પર 62 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે હવે આ રેકોર્ડ ભારતના નામે થઇ ગયો છે. ભારત 46 રનમાં આઉટ થતા ભારતની ધરતી પર સૌથી લોએસ્ટ ટેસ્ટ સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. આ પહેલા ભારતનો ઘરઆંગણે લોએસ્ટ સ્કોર 75 રન હતો. જે વેસ્ટ ઇન્ડીઝ સામે 1987માં બનાવ્યો હતો.
ટેસ્ટમાં ભારતનો ત્રીજો સૌથી લોએસ્ટ સ્કોર
ભારતીય ટીમ પહેલીવાર પોતાના ઘરઆંગણે 50થી ઓછા સ્કોર પર આઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારતીય ટીમ વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સામે એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા 1974માં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે 42 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ગુરુવારે ભારતે ટેસ્ટ ક્રિકેટનો પોતાનો ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.
આ પણ વાંચો – આઈપીએલ હરાજી 2025 : મુંબઈ ઇન્ડિયન્સ આ 6 ખેલાડીઓને કરશે રિટેન
ટીમ ઇન્ડિયાના ટેસ્ટમાં લોએસ્ટ સ્કોર
- 36 રન – ઓસ્ટ્રેલિયા – 2020
- 42 રન – ઇંગ્લેન્ડ – 1974
- 46 રન – ન્યૂઝીલેન્ડ – 2024
- 58 રન – ઓસ્ટ્રેલિયા – 1947
- 58 રન – ઇંગ્લેન્ડ – 1952
ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા
ભારતીય ટીમે પહેલા રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી, જે બાદ વિકેટો પડતી રહી હતી. ઋષભ પંતે ટીમ માટે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ 5 અને વિલિયમ ઓ’રોર્કેએ 4 વિકેટ ઝડપી હતી.





