Mohammad Shami Records In World Cup 2023 IND vs NZ Semi Final : વનડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દેખાડ્યું અને ન્યૂઝીલેન્ડની ટીમને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી અને ODI ફોર્મેટમાં એક મેચમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. આ સાથે શમીએ વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં પણ બેસ્ટ બોલિંગ કરી અને 48 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો.
મોહમ્મદ શમીની રેકોર્ડ બ્રેક (Mohammad Shami Batting Records IND vs NZ Semi Final)
આ મેચમાં ભારતે વિરાટ કોહલીના 117 રન અને શ્રેયસ અય્યરની 105 રનના દમ પર 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા અને કિવી ટીમને જીત માટે 398 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ ટીમ જીતી શકી ન હતી. ન્યુઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઇ અને ભારતે 70 રનથી જીત હાંસલ કરી છે. આ મેચમાં શમીએ પોતાની ધુઆધાર બોલીંગથી 9.5 ઓવરમાં ન્યુઝીલેન્ડ ટીમની 7 વિકેટ ઝડપીને ઈતિહાસ બનાવ્યો છે.
વર્લ્ડ કપ 2023ની આ સેમીફાઈનલ મેચમાં જ્યારે પણ ભારતને સફળતાની જરૂર હતી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ શમીને બોલ સોંપ્યો અને શમીએ તેને જરા પણ નિરાશ ન કર્યો અને 7 કિવી બેટ્સમેનોને આઉટ કર્યા. આ મેચમાં શમીએ ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લાથમ, ટિમ સાઉથ અને લોકી ફર્ગ્યુસનને આઉટ કર્યા હતા. શમી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ટોપ 5 બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.
મોહમ્મદ શમીએ આ મેચમાં 57 રન આપીને 7 વિકેટ લીધી હતી અને વનડે વર્લ્ડ કપના નોકઆઉટમાં બેસ્ટ બોલિંગ કરી હતી. અગાઉ આ રેકોર્ડ ગિલમોરના નામે હતો જેણે વર્ષ 1975માં ઈંગ્લેન્ડ સામે 14 રન આપીને 6 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપમાં ચોથી વખત ફાઈફર લેવાનો કમાલ દેખાડ્યો અને તે ભારત તરફથી આવું કરનાર એકમાત્ર બોલર છે. શમીએ આ વર્લ્ડ કપની 6 મેચમાં અત્યાર સુધીમાં 23 વિકેટ લીધી છે અને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો છે. મોહમ્મદ શમીને તેના આ પર્ફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપમાં ભારત માટે ફાયફર લેનારા બોલરો
4 – મોહમ્મદ શમી1 – રવિન્દ્ર જાડેજા1 – કપિલ દેવ1 – રોબિન સિંઘ1 – વેંકટેશ પ્રસાદ1 – આશિષ નેહરા1 – યુવરાજ સિંહ





