Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાનની મેચ બાદ માહોલ ગરમાયો છે. પહેલગામ આતંકી હુમલા બાદ પહેલી વખત બંને ટીમો આમને-સામને આવી હતી. ભારતમાં આ મેચનો વિરોધ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે પ્રેક્ટિસ અને મેચ દરમિયાન સલમાન આગાની આગેવાની હેઠળની ટીમથી અંતર જાળવી રાખ્યું હતું.
સૂર્યકુમારે પાકિસ્તાન સામેની જીત પહેલગામના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. ભારતીય ખેલાડીઓના હાથ ન મિલાવવાથી ઉશ્કેરાયેલો પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આગા પ્રેઝન્ટેશન સમારોહમાં આવ્યો ન હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને ફરિયાદ કરી છે. આ બધા પછી મોટો સવાલ એ છે કે જો ભારતીય ટીમ એશિયા કપ ટાઈટલ જીતશે તો શું તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેશે?
ભારતીય ખેલાડીઓ મોહસિન નકવી સાથે સ્ટેજ શેર કરશે નહીં
પાકિસ્તાનની ટીમ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન મોહસિન નકવીની પણ ફજીહત થઇ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વિશ્વસનીય સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જો ભારત 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં પ્રવેશશે તો ખેલાડીઓ મોહસીન નકવી સાથે પ્રેઝન્ટેશન સ્ટેજ શેર કરશે નહીં.
આ પણ વાંચો – એશિયા કપ 2025 : હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું, મેચ રેફરી પર લગાવ્યો આવો આરોપ
ભારત અને પાકિસ્તાન 21 સપ્ટેમ્બરે ફરી ટકરાઇ શકે છે
ભારત અને પાકિસ્તાન રવિવારને 21 સપ્ટેમ્બરે ફરી એકબીજા સામે ટકરાઇ શકે છે. ગ્રુપની આ બંને ટીમો વચ્ચેનો મુકાબલો 21મી સપ્ટેમ્બરે સુપર-4માં રમાવાનો પ્રસ્તાવ છે. જોકે આ માટે પાકિસ્તાન આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થાય તે જરુરી છે. તેણે આગામી મેચ યુએઈથી રમવાની છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને સુપર-4માં પહોંચવામાં ખાસ મુશ્કેલી ન પડવી જોઈએ. બંને ટીમો ફાઈનલમાં પણ આમને-સામને ટકરાઈ શકે છે.





