Gautam Gambhir Press Conference : દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન પછી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ચારેબાજુથી ટીકાઓ થઇ રહી છે. ટેસ્ટ મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમાં પરાજય બાદ તેના ભવિષ્ય પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) નિર્ણય કરવાનો છે. જોકે તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ટીમે કેટલી સફળતા મેળવી છે.
બુધવારે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી થયેલા કારમા પરાજય પછી પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું કે મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈએ નક્કી કરવાનો છે. પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડમાં અનુકૂળ પરિણામો આપ્યા હતા અને હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કોચ હતો. ઉલ્લેખનીય છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.
95/1 થી 112/7 સ્વીકાર્ય નથી – ગંભીર
ગંભીરે ચાલુ વર્ષના પ્રારંભે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટાઇટલ જીત અને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે 2-2થી ડ્રો થયાનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે 0-2થી હાર બાદ ગંભીરે કહ્યું કે દોષ દરેકનો છે અને તેની શરૂઆત મારાથી થાય છે. અમારે વધુ સારું રમવું પડશે. પ્રથમ ઈનિંગ્સમાં એક તબક્કે અમારો સ્કોર એક વિકેટે 95 રન હતો, જે 7 વિકેટે 122 રન થઈ ગયો હતો. આ સ્વીકાર્ય નથી.
આ પણ વાંચો – ગૌતમ ગંભીરની 3 મોટી ભૂલ જે ભારતના ઘરઆંગણે હારનું કારણ બની, આફ્રિકાએ વ્હાઇટવોશ કર્યો
દરેકનો દોષ છે
ગંભીરે કહ્યું કે તમે એક વ્યક્તિ અથવા ચોક્કસ શોટને દોષી ઠેરવી શકતા નથી. બધાનો દોષ છે. મેં ક્યારેય કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવું કરીશ નહીં. ગંભીરની આગેવાનીમાં ભારત 18માંથી 10 ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે, જેમાં ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ક્લિન સ્વિપ અને હવે સાઉથ આફ્રિકા સામે ક્લિન સ્વિપ સામેલ છે.
ટેસ્ટમાં કેવા ખેલાડીઓ જોઇએ
ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર છે. ગંભીરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે ખૂબ ઝડપી અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી. અમને મર્યાદિત કૌશલ વાળા મજબૂત માનસિકતાવાળા ખેલાડીઓની જરૂર છે. તેઓ સારા ટેસ્ટ ક્રિકેટર બને છે.





