Indian Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ મહત્વના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાથી પરેશાન છે. વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયર સાઉથ આફ્રિકા સામેની ત્રણ વન ડેની સીરિઝ માંથી બહાર હતો. હવે આ યાદીમાં કેપ્ટન શુભમન ગીલનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તે લાંબા સમય સુધી મેદાનથી દૂર પણ રહી શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોને ટાંકીને પીટીઆઈએ શનિવારે (22 નવેમ્બર) અહેવાલ આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ જશે. તેમની ગરદનની ઇજા મટવામાં વધુ સમય લાગી શકે છે. વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને સિનિયર ખેલાડી કેએલ રાહુલ સ્ટેન્ડ ઈન કેપ્ટન્સીની રેસમાં છે. જોકે અનુભવી રોહિત શર્માનું પણ ટીમમાં સામેલ થવાનું નક્કી છે.
શુભમન ગિલની ગરદનની ઈજાની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, 9 ડિસેમ્બરથી રમાનારી સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં રમવાની આશા ઓછી લાગી રહી છે. બીસીસીઆઇના સૂત્રો જણાવે છે કે, ગિલની ઈજા માત્ર ગળામાં ખેંચાણ પૂરતી મર્યાદિત નથી. તેમને ઘણા આરામની જરૂર પડશે, તેથી ટીમ મેનેજમેન્ટ તેમને મેદાનમાં ઉતારવાનું કોઈ જોખમ લેવા માંગતું નથી.
ગિલ કરોડરજ્જુના ડોક્ટરને મળ્યા
સાઉથ આફ્રિકા સામે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બેટિંગ દરમિયાન ગિલને ગરદનની સમસ્યા થઈ હતી. તે ગુવાહાટી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો. હાલ તે મુંબઈમાં છે અને ઈજાની ગંભીરતા જાણવા માટે એમઆરઆઈ સહિતના મેડિકલ ટેસ્ટ કરાવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ગિલે મુંબઈ સ્થિત કરોડરજ્જુની ઇજાના નિષ્ણાત ડો.અભય નેનેની સલાહ લીધી છે. મેડિકલ રિપોર્ટનું પરિણામ ચીફ સિલેક્ટર અજિત અગરકરને મોકલી દેવામાં આવ્યા છે.
ગિલની ઈજા કેટલી ગંભીર છે?
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘હાડકાની ઈજા છે કે ચેતાતંત્રની સમસ્યા છે તે જાણવા માટે તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેને વધુ આરામની જરૂર છે. હાલ તો પસંદગીકારોને આશા છે કે, તે સાઉથ આફ્રિકા સામેની ટી-20 માટે ફિટ થઈ જશે. ગિલને પીડામાં રાહત માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. તે રિકવરી અને તાલીમ શરૂ કરી શકે તે પહેલાં તેને થોડો આરામની જરૂર પડશે. તે ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે ગુવાહાટી ગયો હતો. ટેસ્ટ મેચ શરુ થવાના એક દિવસ પહેલા જ તે સત્તાવાર રીતે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.





