IND vs SA, ODI Series: ભારતે 11 ઓક્ટોબર 2022ના રોજ ત્રીજી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ વન-ડે ઇન્ટરનેશનલમાં 12 વર્ષ પછી આફ્રિકી ટીમ સામે સિરીઝ જીતી છે. ભારતને શ્રેણી જીતાડવામાં શ્રેયષ ઐયર, ઈશાન કિશન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજનું મહત્વનું યોગદાન રહ્યું છે.
મોહમ્મદ સિરાજની પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. તેણે 3 મેચમાં 5 વિકેટ ઝડપી હતી. છેલ્લી મેચમાં તેણે માત્ર 17 રન આપી 2 વિકેટ લીધી હતી. મેચ પછી પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ મેળવતી વખતે મુરલી કાર્તિકે તેની હૈદરાબાદીમાં પ્રશંસા કરી હતી. જેના પર સિરાજે પણ અદ્ભૂત જવાબ આપ્યો હતો.
મુરલી કાર્તિકે કહ્યું કે, ‘શું જોરદાર બોલિંગ કરો છો તમે! હું હૈદરાબાદીમાં સાચું બોલ્યોને?’ તેના પર સિરાજે જવાબ આપ્યો, ‘ બિલકુલ સર’. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે દક્ષિણ આફ્રિકા સામે T-20 ઇન્ટરનેશનલ સિરીઝમાં જસપ્રીત બુમરાહની જગ્યા લીધી હતી. તે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલરમાં વિકલ્પની ભૂમિકા નિભાવનાર પ્રમુખ સંભવિતોમાંથી એકના રૂપમાં ઉભરી આવ્યો છે.
આ પણ વાંચો – BCCI અધ્યક્ષની ચૂંટણી પર રાજકારણ ગરમાયું, TMCએ કહ્યું- જય શાહને બીજી ટર્મ તો સૌરવ ગાંગુલીને કેમ નહીં?
એ પછી કાર્તિકે કહ્યું, “તમને જોઈને ઘણું સારું લાગ્યું, તમેં જયારે પણ બોલિંગ કરો ત્યારે પુરી ઉર્જાથી બોલિંગ કરો છો.” ત્યારે સિરાજે કહ્યું, “હા સર”, આજે હું આ પ્લેટફોર્મ પર હોવા માટે અલ્લાહને જવાબદાર માનીશ અને હ્યદયથી તેમનો આભાર માનું છું. એક મજબૂત ટીમ સામે પ્રદર્શન કરવું એક અલગ જ આત્મવિશ્વાસ જગાવે છે.
મોહમ્મદ સિરાજે કહ્યું , ” હું જયારે બોલિંગ કરું છું ત્યારે મારુ 100% બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું. અત્યારે જેમ હું અગ્રણી ખેલાડી પણ છું તો મારા પર જવાબદારી પણ છે. હું મોકો જોઈને બોલિંગ કરવામાં અને ટીમને વધારે વિકેટ આપવામાં મારો પુરો પ્રયત્ન રહે છે. મને જવાબદારી ઉઠાવી ગમે છે.”
મુરલી કાર્તિકે પૂછ્યું કે, “આપણે બધા સારા એરિયા વિશે વાત કરીએ છીએ, બધા બોલરો એ વાત કરતા હોય છે, પણ ખાસ વિચાર શું રહે છે કે જયારે તમે સિરીઝમાં આવો છો અને એક સારી ટીમ સામે રમતા હોવ છો? આ સવાલના જવાબમાં સિરાજે કહ્યું, “શરુઆતમાં જયારે હું નવા બોલથી બોલિંગ કરું છું ત્યારે મને લાગે છે કે વિકેટ પર કઈ લાઈન પર લંબાઈ સારી હોય છે. નવો બોલ સ્વિંગ થાય છે, 15 ઓવર પછી તો બોલ સ્વિંગ થતો નથી તો ફરી લેન્થ પાછી કરવી પડે છે.