U19 World Cup 2024 IND vs SA Cricket Score: ભારતીય ક્રિકેટ ટીમે અંડર અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાજ લિંબાણીની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) પછી કેપ્ટન ઉદય સહારન (81)અને સચિન દાસની (96) અડધી સદીની મદદથી ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.
ભારતે કુલ નવમી વખત અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત પાંચમી વખત 2016, 2018, 2020, 2022 અને હવે 2024માં ફાઇનલમાં પ્રવેશ કરવા સફળ રહ્યું છે. ફાઇનલ મુકાબલો 11 ફ્રેબ્રુઆરીના રોજ રમાશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર બીજી સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે ભારત ટકરાશે.
ભારતે 32 રનમાં 4 વિકેટ ગુમાવી
245 રનના પડકાર સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર આદર્શ સિંહ પ્રથમ બોલે જ આઉટ થયો હતો. આ પછી શાનદાર ફોર્મમાં રહેલો મુશિર ખાન (4), અર્શિન કુલકર્ણી (12) અને પ્રિયાંશુ મોલિયા (5) જલ્દી આઉટ થતા ભારતે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
સચિન દાસ અને ઉદય સહારને પાંચમી વિકેટ માટે 171 રનની ભાગીદારી નોંધાવી
આ પછી કેપ્ટન ઉદય સહારન અને સચિન દાસે બાજી સંભાળી હતી. સચિન 95 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 96 રન બનાવી કેચ આઉટ થયો હતો. સચિન દાસ અને ઉદય સહારને પાંચમી વિકેટ માટે 171 રનની ભાગીદારી નોંધાવી દક્ષિણ આફ્રિકા પર પ્રેશર બનાવ્યું હતું. ઉદય 124 બોલમાં 6 ફોર સાથે 81 રન બનાવી રન આઉટ થયો હતો. ગુજરાતના રાજ લિંબાણીએ 4 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 13 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો – રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર
દક્ષિણ આફ્રિકાના પ્રતોરિઅસે સૌથી વધારે 76 રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર લુહાન પ્રતોરિઅસે સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન 102 બોલ રમ્યો હતો અને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રિચાર્ડે 100 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 64 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન જુઆન જેમ્સે 19 બોલમાં આક્રમક 24 રન બનાવ્યા હતા.
ભારત તરફથી રાજ લિંબાણીએ ત્રણ અને મુશિર ખાને બે વિકેટ ઝડપી હતી. સૌમ્ય પાંડે અને નમન તિવારીને 1-1 વિકેટ મળી હતી.





