Ind vs WI: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વેસ્ટ ઇન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 255 રનમાં સમેટાઈ ગઈ હતી. સિરાજે આ મેદાન પર ટેસ્ટમાં પહેલી વખત ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે વિન્ડીઝની ભૂમિ પર ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પહેલી વખત આવી સિદ્ધિ મેળવી છે. તેણે ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વખત કેરેબિયન ટીમ સામે પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ નોંધાવી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં 5 વિકેટ ઝડપીને 34 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. અંતિમ સમાચાર મળ્યા ત્યારે ભારતે બીજા દાવમાં 1 વિકેટે 98 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 57 રને આઉટ થયો હતો.
સિરાજ પોર્ટ ઓફ સ્પેનમાં ટેસ્ટ ક્રિકેટની ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનારો ભારત તરફથી બીજો બોલર બન્યો હતો. સિરાજ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે 34 વર્ષ પહેલા આ મેદાન પર ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. કપિલ દેવે 1989માં પોર્ટ ઓફ સ્પેનમાં યજમાન ટીમ સામે પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજે આ ઐતિહાસિક ક્ષણનું ફરી પુનરાવર્તન કર્યું છે અને કપિલ દેવની બરોબરી કરતાં આ એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સિરાજ તેની ક્રિકેટ કારકિર્દીમાં પહેલી વખત વિન્ડીઝના પ્રવાસે છે અને ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે.
આ પણ વાંચો – કયા કારણોથી અર્શથી ફર્શ પર પહોંચી વેસ્ટ ઇન્ડીઝની ટીમ, Video માં જુઓ રોહિત શર્માએ શું કહ્યું
આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 438 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 255 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી પ્રથમ ઈનિંગ્સમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટ બેસ્ટ સ્કોરર રહ્યો હતો. તેને 75 રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રથમ ઇનિંગ્સનો સૌથી સફળ બોલર સિરાજ રહ્યો હતો. સિરાજે 23.4 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અન્ય બોલરોમાં મુકેશ કુમાર અને રવિન્દ્ર જાડેજાને 2-2 સફળતા મળી હતી જ્યારે આર.અશ્વિનને માત્ર એક જ વિકેટ મળી હતી.
ભારતીય ટીમ આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીની 29મી ટેસ્ટ સદીની મદદથી 400નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. કોહલીએ 121 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રોહિત શર્મા સદીની નજીક પહોંચી ગયો હતો અને 80 રન બનાવ્યા હતા. આ બંને ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 61 અને આર.અશ્વિને 56 રન બનાવ્યા હતા.





