Smriti Mandhana Hundred : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર પ્લેયર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં શાનદાર સદી ફટકારી હતી અને આ તેની વન ડે ક્રિકેટ કારકિર્દીની 12મી સદી હતી.જ્યારે કાંગારુ ટીમ સામેની તેની ત્રીજી વન ડે સદી હતી.
સ્મૃતિ મંધાનાના 91 બોલમાં 117 રન
સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સામે 3 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ છે. સ્મૃતિએ આ મેચમાં 91 બોલમાં 4 સિક્સર અને 14 ફોરની મદદથી 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગના આધારે ભારતે પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 292 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 40.5 ઓવરમાં 190 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજી વન-ડેમાં ભારતની મહિલા ટીમે 102 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.
સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો
સ્મૃતિ મંધાનાએ આ મેચમાં 77 બોલમાં સદી પુરી કરી હતી અને તે ભારત તરફથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સામે સૌથી ઝડપી સદી ફટકારનારી પ્લેયર બની હતી. આ સિવાય તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઓછા બોલ પર સદી ફટકારનારી પ્લેયર પણ બની ગઇ છે.
આ પણ વાંચો – એપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર, BCCI ને એક મેચના 4.5 કરોડ રુપિયા ચૂકવશે
સ્મૃતિ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલ પર સદી ફટકારનાર ખેલાડી નેટ સાઇવર બ્રન્ટ હતો, જેણે 2022 મહિલા વર્લ્ડ કપ દરમિયાન હેમિલ્ટનના સેડન પાર્કમાં 79 બોલ પર સદી ફટકારી હતી. હવે સ્મૃતિએ 77 બોલમાં સદી ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો છે.





