IND VS ENG Tests : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 16 સભ્યોની ટીમમાં ત્રણ વિકેટકીપરની પસંદગી કરવામાં આવી છે પરંતુ તેમાં ઇશાન કિશનનું નામ નથી. કેએલ રાહુલ, કેએસ ભરત ઉપરાંત ધ્રુવ જુરેલની પસંદગી કરવામાં આવી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં જુરેલ ઉત્તર પ્રદેશ તરફથી રમે છે.
આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઈ નથી. તે ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે. ભારત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે
પ્રસિદ્ધ કૃષ્ણા ટીમમાંથી બહાર
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરનારા પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ ટીમમાં નથી. બંને ખેલાડીઓના પ્રદર્શનની ભારે ટીકા થઈ હતી. બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી છે. કેએલ રાહુલને ભલે વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હોય, પરંતુ ભરત અને જુરેલ હોવાથી તેને તક મળે તેવી ઓછી સંભાવના છે.
આ પણ વાંચો – ક્રિકેટમાં ફરી કોરોનાની એન્ટ્રી, ન્યૂઝીલેન્ડનો ખેલાડી બન્યો શિકાર
4 સ્પિનર અને 4 ફાસ્ટ બોલરની પસંદગી
બોલર્સની વાત કરીએ તો 4 સ્પિનર અને 4 ફાસ્ટ બોલરની પસંદગી કરવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિનર છે. ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સિવાય મુકેશ કુમાર અને અવેશ ખાનની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ અવેશને મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યસસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કેએસ ભરત, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), અવેશ ખાન.





