Team India ODI Records : ભારતનો સાઉથ આફ્રિકા સામેની બીજી વન ડે મેચમાં ચાર વિકેટથી પરાજય થયો હતો. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની સદી અને કેએલ રાહુલની અડધી સદીને સહારે ભારતે 350થી વધુ રન ફટકાર્યા હતા. આટલો વિશાળ સ્કોર હોવા છતા પરાજય થતા ચાહકોને વધારે ખટકી રહ્યું છે.
વન ડે ક્રિકેટમાં સામાન્ય રીતે 300થી વધુ રન ફટકારવા એ જીતની ગેરંટી માનવામાં આવે છે પણ ભારતીય ટીમ સાથે આવું 28 વખત થયું છે જ્યારે ભારત 300 કે તેથી વધુ રન કરવા છતાં મેચ હારી ગયું છે. રાયપુરમાં દક્ષિણ આફ્રિકા સામે થયેલો પરાજય આ યાદીમાં વધુ એક ઉમેરો થયો છે.
ઓસ્ટ્રેલિયા ભારત માટે સૌથી મોટો કિલર
300થી વધુ રન બનાવીને ભારતને સૌથી વધુ વખત હરાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ 300 કે વધુના સ્કોર છતાં અત્યાર સુધીમાં 9 વખત ભારતને હરાવ્યું છે. જેમાં મોહાલી, બેંગલુરુ, સિડની, કેનબેરા અને બ્રિસ્બેન જેવા મેદાનોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડે 5-5 વખત હરાવ્યું
આ યાદીમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બીજા સ્થાને છે. બંને ટીમો સામે 300થી વધુ રન ફટકારવા છતાં ભારતનો 5-5 વખત પરાજય થયો છે. પાકિસ્તાન સામેની આ પરાજય રાવલપિંડી, પેશાવર, કરાચી, મોહાલી અને અમદાવાદ જેવા મેદાનો પર જોવા મળ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફ, રાજકોટ, ઈડન ગાર્ડન્સ, બર્મિંગહામ અને પૂણેમાં ભારતને હરાવ્યું હતું.
આ પણ વાંચો – શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ
આ યાદીમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ પણ સામેલ
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડે 300+ સ્કોર કરવા છતાં ભારતને 3-3 વખત હરાવ્યું છે, જ્યારે સાઉથ આફ્રિકાએ બે વખત આવું કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝે પણ એક વખત મોટા સ્કોર છતાં ભારતને હરાવ્યું છે.
વન-ડેમાં 300થી વધુ રન બનાવ્યા બાદ પણ ભારતનો થયો પરાજય, જુઓ સંપૂર્ણ યાદી
| કઈ ટીમ સામે પરાજય | પરિણામ | મેદાન | મેચ તારીખ |
| શ્રીલંકા | 2 રનથી પરાજય | કોલંબો (RPS) | 17 ઓગસ્ટ, 1997 |
| ન્યૂઝીલેન્ડ | 43 રનથી પરાજય | રાજકોટ | 05 નવેમ્બર 1999 |
| દક્ષિણ આફ્રિકા | 10 રનથી પરાજય | નાગપુર | 19 માર્ચ 2000 |
| પાકિસ્તાન | 12 રનથી પરાજય | રાવલપિંડી | 16 માર્ચ 2004 |
| પાકિસ્તાન | 3 વિકેટે પરાજય | અમદાવાદ | 12 એપ્રિલ, 2005 |
| પાકિસ્તાન | 7 રનથી પરાજય | પેશાવર | 06 ફેબ્રુઆરી 2006 |
| વેસ્ટ ઇન્ડીઝ | 29 રનથી પરાજય | કુઆલાલમ્પુર | 14 સપ્ટેમ્બર, 2006 |
| પાકિસ્તાન | 4 વિકેટે પરાજય | મોહાલી | 8 નવેમ્બર, 2007 |
| પાકિસ્તાન | 8 વિકેટે પરાજય | કરાચી | 2 જુલાઈ 2008 |
| ઓસ્ટ્રેલિયા | 3 રનથી પરાજય | હૈદરાબાદ | 05 નવેમ્બર 2009 |
| શ્રીલંકા | 3 વિકેટે પરાજય | નાગપુર | 18 ડિસેમ્બર 2009 |
| ઇંગ્લેન્ડ | 6 વિકેટે પરાજય | કાર્ડિફ | 16 સપ્ટેમ્બર, 2011 |
| ઇંગ્લેન્ડ | 9 રનથી પરાજય | રાજકોટ | 11 જાન્યુઆરી 2013 |
| ઓસ્ટ્રેલિયા | 4 વિકેટે પરાજય | મોહાલી | 19 ઓક્ટોબર 2013 |
| ઓસ્ટ્રેલિયા | 5 વિકેટે પરાજય | વાકા | 12 જાન્યુઆરી 2016 |
| ઓસ્ટ્રેલિયા | 7 વિકેટે પરાજય | બ્રિસ્બેન | 15 જાન્યુઆરી 2016 |
| ઓસ્ટ્રેલિયા | 25 રનથી પરાજય | કેનબેરા | 20 જાન્યુઆરી 2016 |
| ઇંગ્લેન્ડ | 5 રનથી પરાજય | ઈડન ગાર્ડન્સ | 22 જાન્યુઆરી 2017 |
| શ્રીલંકા | 7 વિકેટે પરાજય | ઓવલ | 08 જૂન 2017 |
| ઓસ્ટ્રેલિયા | 21 રનથી પરાજય | બેંગ્લોર | 28 સપ્ટેમ્બર 2017 |
| ઓસ્ટ્રેલિયા | 04 વિકેટે પરાજય | મોહાલી | 10 માર્ચ 2019 |
| ઇંગ્લેન્ડ | 31 રનથી પરાજય | બર્મિંગહામ | 30 જૂન 2019 |
| ન્યૂઝીલેન્ડ | 04 વિકેટે પરાજય | હેમિલ્ટન | 05 ફેબ્રુઆરી 2020 |
| ઓસ્ટ્રેલિયા | 66 રનથી પરાજય | સિડની | 27 નવેમ્બર 2020 |
| ઓસ્ટ્રેલિયા | 51 રનથી પરાજય | સિડની | 29 નવેમ્બર 2020 |
| ઇંગ્લેન્ડ | 6 વિકેટે પરાજય | પૂણે | 26 માર્ચ 2021 |
| ન્યૂઝીલેન્ડ | 7 વિકેટે પરાજય | ઓકલેન્ડ | 25 નવેમ્બર 2022 |
| દક્ષિણ આફ્રિકા | 04 વિકેટે પરાજય | રાયપુર | 03 ડિસેમ્બર 2025 |
આ આંકડા દર્શાવે છે કે માત્ર મોટો સ્કોર કરવો પૂરતો નથી. બોલિંગ અને ફિલ્ડિંગમાં સાતત્ય પણ જરૂરી છે. અનેક પ્રસંગોએ ભારતીય બોલરો આખરી ઓવરોમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે મેચ હાથમાંથી સરકી ગઈ હતી.





