India Squad Ireland Tour : ઓગસ્ટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી દ્વારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ અને તેને આ સીરિઝ માટે ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. બુમરાહે 8 મહિના બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે. રુતુરાજ ગાયકવાડને આ શ્રેણી માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાલ ભારતીય ટી-20 ટીમની કેપ્ટન્સી સંભાળી રહેલા હાર્દિક પંડયાને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. આ શ્રેણી દ્વારા શિવમ દુબેએ ફરી એકવાર ભારતીય ટી-20 ટીમમાં વાપસી કરી છે. રિંકુ સિંહને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
રોહિત અને કોહલી ફરી ટીમમાંથી બહાર
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ 2022થી સતત ભારત માટે ટી-20 ક્રિકેટ રમતા નથી અને તેમને ફરી એક વખત આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે ત્રણ ટી-20 મેચ રમશે. આ મેચો 18, 20 અને 23 ઓગસ્ટે રમાશે.
આ પણ વાંચો – એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર, 15 દિવસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે 3 મેચ
પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળ્યું
આયર્લેન્ડ સામે પ્રસિદ્ધ કૃષ્ણાને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે અને તે પહેલીવાર ભારતીય ટી-20 ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબેએ લાંબા સમય બાદ ટી20 ટીમમાં વાપસી કરી છે. યશસ્વી જયસ્વાલ ફરી એકવાર આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, જેને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને જિતેશ શર્માની પસંદગી કરવામાં આવી છે. જ્યારે આઇપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહ પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.
બોલર્સની વાત કરીએ તો સ્પિનર રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ફાસ્ટ બોલર તરીકે આ ટીમમાં બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિન્ડિઝ સામેની ટી-20 શ્રેણી માટેની ટીમમાં પસંદગી પામેલા તિલક વર્માને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતની ટીમ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.





