અફઘાનિસ્તાન સામે પ્રથમ ટી 20 મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા મોહાલી પહોંચી ચુકી છે. ગુરુવારે મોહાલી સ્થિત પીસીએ સ્ટેડિયમ પર ભારત અફઘાનિસ્તાન વચ્ચે ટી 20 જંગ ખેલાશે. અફઘાનિસ્તાનની ટીમ કરતાં ટીમ ઇન્ડિયા માટે મોહાલીનું વાતાવરણ મોટો પડકાર છે. અહીં પહોંચેલી ટીમ ઇન્ડિયા મેચ પૂર્વે ટ્રેનિંગ માટે મેદાન પર ઉતરી તો અહીંની ઠંડીથી ખેલાડીઓ કાંપતા નજરે પડ્યા હતા.
કાતિલ ઠંડીમાં ટીમ ઇન્ડિયાએ કરી પ્રેક્ટિસ
ધુમ્મસ અને હાડ થીજાવનારી ઠંડી વચ્ચે પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. ઠંડીના માહોલને પગલે ખેલાડીઓએ માથે ટોપી અને હાથમાં ગ્લોઝ પહેર્યા હતા. હેડ કોચ રાહુલ દ્રવિડથી લઇને શુભમન ગીલ સહિતના ખેલાડીઓ પર ઠંડીની ભારે અસર જોવા મળી હતી. તો બીજી તરફ કેટલાક ખેલાડીઓ ઠંડીમાં મસ્તી કરતા પણ દેખાયા હતા.
અક્ષર પટેલ ઠંડીથી પરેશાન
ઓલરાઉન્ડર અક્ષર પટેલ મોહાલીમાં ઠંડીથી વધુ પરેશાન દેખાયો હતો. અક્ષર પટેલે જણાવ્યું કે, અહીં હાલમાં જે ઠંડી છે એવી ક્યારેય જોવા નથી મળી. તેણે ટ્રેનરને પુછ્યું તે તાપમાન કેટલું છે તો જવાબ સાંભળી અક્ષર પટેલને વિશ્વાસ ન બેઠો કે મોહાલામાં 12 ડિગ્રી છે. કેરળથી રણજી ટ્રોફીની મેચ રમી આવેલા રિંકુ સિંહ માટે પણ આ ઠંડી આકરી છે. કરેળમાં ગરમીના માહોલમાંથી આવતાં આ ઠંડી અસહ્ય છે. હેડ કોચ રાહુલ દ્રવિડનું કહેવું હતું કે, બેંગલુરુથી અહીં આવ્યા બાદ તો જાણે એવું લાગે છે કે તે ઠંડીથી થીજી ગયો છે.
અર્શદીપ – ગીલની ઠંડીમાં મસ્તી
સ્થાનિક ખેલાડીઓ એવા શુભમન ગિલ અને અર્શદીપ સિંહ આ ઠંડીમાં મસ્તી કરતા દેખાયા હતા. મજાક કરતાં તેઓ કહી રહ્યા હતા કે, અહીં તો બિલકુલ પણ ઠંડી નથી પરંતુ એમના મોમાંથી ઘુમાડો નીકળતો દેખાઇ રહ્યો છે. ઓલરાઉન્ડર શિવમ દુબએ કહ્યું કે, આવી ઠંડીમાં રમવું કેટલેક અંશે કઠીન છે.





